ભારત સહિત દુનિયામાં કોરોના વાયરસ હવે ઝડપથી તેના સ્વરૃપ બદલવા માંડ્યો છે. જેને કારણે સંશોધકો અને તબીબોની ચિંતા વધી છે. અત્યાર સુધી બ્રિટન, અમેરિકા, સહિતના દેશમાં વાયરસના નવા સ્વરૃપો બહાર આવી રહ્યા હતા. હવે ભારતમાં પણ આ પ્રકારના વાયરસનો ભાગ બનવાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. સોમવારે આસામના ગુવાહાટીમાં એક મહિલા ડોક્ટર કોરોનાના ડબલ વેરિએન્ટથી સંક્રમિત થતા ગભરાટ ફેલાઈ ગયો છે. એક જ સમયે કોઈ એક દર્દી કોરોનાના બે જુદા જુદા વેરિઅન્ટથી સંક્રમિત થયો હોય તેવો આ ભારતનો પ્રથમ કેસ છે. જયારે દુનિયામાં આ બીજો કેસ છે. આ પહેલાં બેલ્જિયમમાં આ પ્રકારનો પહેલો કિસ્સો થયો હતો. બેલ્જિયમમાં એક જ સમયે 90 વર્ષીય મહિલામાં આલ્ફા અને બીટા વેરિઅન્ટની પૃષ્ટિ થઈ હતી. બીમાર પડેલી મહિલાને આ બંને વેરીઅન્ટથી ચેપ લાગ્યો હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતુ. જો કે, તે પછી તે મહિલાનું મોત થઈ ગયું હતુ.
તબીબોના જણાવ્યા પ્રમાણે આ મહિલાએ કોરોના રસી લીધી ન હતી. હવે બેલ્જિયમ બાદ ભારતના આસામમાં ખુદ મહિલા ડોકટર જ બે વેરીઅન્ટથી સંક્રમિત થઈ છે. આ કિસ્સામાં મહિલાએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. આમ છતાં તેની મેડિકલ તપાસ માટે લેવાયેલા સેમ્પલમાં આલ્ફા અને ડેલ્ટા બંને પ્રકારો મળી આવ્યા છે. ઘટના અંગે આસામના ડિબ્રુગઢ જિલ્લાના ICMR-RMRCના નોડલ અધિકારી ડો. વિશ્વજ્યોતિ બોરકાકોટીએ મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, મહિલા ડોક્ટર કોરોનાના બે વેરિઅન્ટથી સંક્રમિત થઈ છે. ડોક્ટરમાં કોરોનાના ખૂબ હળવા લક્ષણો છે. અને તેની હાલત ઠીક છે અને હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. ભારતમાં આ પ્રકારનો પહેલો કેસ છે. મહિલા ડોક્ટરના પતિને કોરોના હોવાનું નિદાન થયા બાદ મહિલા ડોક્ટરે પોતાનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેણી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ રિપોર્ટમા તેને બે વેરીઅન્ટથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતુ. જયારે પતિના રિપોર્ટમાં ફક્ત એક જ આલ્ફા વેરિઅન્ટ જોવા મળ્યો હતો. પરિણામની પુષ્ટિ કરવા માટે બે વાર પરીક્ષણ કરાયું હતુ. આસામની આ ઘટનાથી ભારતના સંશોધકો અને વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે. ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આ પ્રકારનો કેસ મળતાં ગુવહાટીના નાગરિકોમાં પણ ગભરાટ વર્તાય રહ્યો છે.