જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા ફરી ઈડીના સાણસામાં આવ્યા છે. જેમાં ફારુખ સહિતના આરોપીની 11.86 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં 113 કરોડ રૂપિયાના થયેલા કૌભાંડમાં આશરે 43.69 કરોડની હેરાફેરી થઈ હતી. જે બાદ પૈસાનો ખર્ચ ખેલાડીઓ માટે થયો ન હતો. અગાઉ આ કેસની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ કરી રહી હતી. પરંતુ બાદમાં કોર્ટે કેસ સીબીઆઈને સોંપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ઈડી શામેલ થવાનું કારણ મની લોન્ડ્રિંગ હતું.
સીબીઆઈના જણાવ્યા પ્રમાણે, ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદે હતા તે સમયે પૈસાની હેરાફેરી થઈ હતી. ફારૂક ઉપરાંત ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન મહાસચિવ મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અહસાન અહમદ મિર્ઝા અને જમ્મુ કાશ્મીર બેંકનો એક કર્મચારી બશીર અહમદ મિસગર પણ આ કેસમાં આરોપી બતાવાયા છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સ્કેમ કેસમાં મની લોન્ડરિંગ અંતર્ગત ફારૂક અબ્દુલ્લા સહિત કેટલાકની સામેલગીરી હોવાના આરોપો ઉઠ્યા બાદ ચાલી રહેલી કાર્યવાહીમાં ઈડીએ 11.86 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં ફારૂક અબ્દુલ્લાના 2 ઘર અને એક પ્લોટ એમ કુલ મળીને ત્રણ મિલકતોનો સમાવેશ થાય છે. તેમાંથી એક ઘર ગુપકાર રોડ તો બીજુ તહસીલ કટિપોરા, તન્મર્ગ અને ત્રીજુ ભટંડી જમ્મુમાં આવેલુ છે. નેશનલ કોન્ફરન્સ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા આ અગાઉ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ફંડમાં થયેલી કથિત હેરાફેરીના મામલે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસે ગયા હતા. પરંતુ ઈડીની નોટિસ અંગે નેશનલ કોન્ફરન્સે નારાજગી વ્યક્ત કરતા આરોપ મુક્યો હતો કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મની લોન્ડરીંગના કેસમાં ઈડી તે અગાઉ પણ ફારૂક અબ્દુલ્લાની છ કલાક સુધી પૂછપરછ કરી ચુકી હતી.