14 મહિનાથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયાના અનેક દેશમાં વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. કેટલાક નાના અને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. કોરોના માટે દુનિયાના ભારત, રશિયા, અમેરિકા તથા ચાઈના સહિતના અનેક દેશોએ રસી બનાવી તેનો ઉપયોગ શરુ કરી દીધો છે. દરમિયાન અત્યાર સુધી ભારતમાં બનેલી કોવીશીલ્ડ અને કોવેકસીનના પરિણામો સારા રહ્યા છે. જો કે, હાલ દક્ષિણ કોરિયાએ કોરોના વેક્સિનનો રિયલ વર્લ્ડ ડેટા જાહેર કરીને એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝરની કોવિડ-19 વેક્સિનને ભારતની રસી કરતા પણ ઉત્તમ ગણી છે. દક્ષિણ કોરીયાએ કરેલા દાવા પ્રમાણે આ બંને રસીનો એક ડોઝ લીધા પછી કોરોનાથી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોનો 86.6 ટકા સુધી બચાવ થયો હોય તેવા પરિણામો મળ્યા છે. કોરિયા ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સીએ દક્ષિણ કોરિયાના 60 વર્ષથી મોટા રસી લેનાર 35 લાખ નાગરિકોનો બે મહિના અભ્યાસ કર્યો હતો. અભ્યાસને અંતે નીકળેલા તારણો વિશે દ.કોરિયાએ કહ્યું છે કે, બાયોએનટેક અને ફાઈઝરે સાથે મળીને વિકસાવેલી વેક્સિનનો પહેલો ડોઝ આપ્યાના બે અઠવાડિયા પછી 89.7 ટકા અસરકારકતા દેખાય હતી.
જ્યારે એસ્ટ્રાઝેનેકાની રસીની અસરકારકતા 86 ટકા રહી છે. અભ્યાસ માટે એવા 5,21,133 નાગરિકોને સામેલ કરાયા હતા કે જેમણે પહેલો ડોઝ જ લીધો હતો. અભ્યાસમાં સામેલ સિનિયર સિટિઝન પૈકી 1,237 લોકોને જ કોવિડની અસર વર્તાય હતી. તેમાંથી માત્ર 29 દર્દીઓ જ એવા હતા કે, જેઓ વેક્સિન લીધા પછી કોરોનાથી સંક્રમિત થયા હતા. સરવેમાં સ્પષ્ટ થયું છે કે, બંનેમાંથી કોઈપણ વેક્સિનનો પહેલો ડોઝ લેનારને કોરોના સામે મજબૂત રક્ષણ મળે છે. જે વ્યક્તિએ બંને ડોઝ લીધા હોય તેને તો કોરોના સામે વધુ સારુ રક્ષણ મળી શકે છે. દ. કોરિયાના આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે, દ. કોરિયાએ 5.2 કરોડની વસતીમાંથી 6.7 ટકા નાગરિકોને વેક્સિન આપી દીધી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,24,945 કેસ નોંધાયા છે. આગામી સપ્ટેમ્બર સુધીમાં 70 ટકા નાગરિકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. અમારા દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલામાંથી 95 ટકા લોકો 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના રહ્યા છે. વેક્સિન લેવાથી આ ઉંમરના લોકોને પણ જોખમ ઘટ્યું છે. જો કે, એની સંભવત આડઅસરમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદ છે, પરંતુ એ ખૂબ જ ઓછા દર્દીઓમાં જોવા મળી છે.