ઉત્તર પ્રદેશના બારાબંકી નજીક એક ટ્રકે ખાનગી ટ્રાવેલ્સ એજન્સીની બસને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 18 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાના અહેવાલો મળ્યાં છે. ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જયારે અકસ્માતના થોડાક સમય પછી ભારે વરસાદ શરુ થયો હતો. જેને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હતી.
ઉત્તર પ્રદેશના બારાબંકી રામસ્નેહી ઘાટ કોતવાલી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સ એજન્સીની બસ હાઇવે પાસે ઉભી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે આ બસને ટક્કર મારતા જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતગ્રસ્ત બસમાં સવાર પૈકી મોટાભાગના લોકો પંજાબ અને હરિયાણામાં કામ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે બસમાં યાંત્રિક ખામી સર્જાતા તેના ચાલકે બારાબાંકી રામસ્નેહ ઘાટ પાસે બસ ઉભી રાખવાની ફરજ પડી હતી. દરમિયાન કેટલાક લોકો બસમાંથી ઉતરીને બસની નજીક સૂઈ ગયા હતા. ત્યારે પાછળથી હાઈવે પર પુરપાટ ઝડપે ધસી આવેલી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાની પૃષ્ટિ સ્થાનિક પોલીસે કરી છે.
લખનૌ ઝોનના એડીજી એસ.એન. સાબાતે જણાવ્યું કે, ખાનગી ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી, ત્યારે રામસ્નેહી ઘાટમાં મોડી રાત્રે લખનૌ-અયોધ્યા હાઈવે પર કલ્યાણી નદીની પાસે બસમાં ખામી સર્જાઈ હતી. એક્સેલ તૂટવાથી બસને ત્યાં જ થંભાવી દેવાની ફરજ પડી હતી. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
પોલીસે આ ઘટનાના ઘાયલોને હૉસ્પિટલ ખસેડવાની તથા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરુ કરી દીધી છે. હજી પણ ઘણા લોકો બસની નીચે દટાયેલા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે રામસ્નેહી ઘાટ સીએચસી લઈ જવામાં આવ્યા છે. બારાબંકી જિલ્લા હૉસ્પિટલથી કેટલાક ઘાયલોને સારવાર માટે લખનૌ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે.