અસ્તવ્યસ્ત રોડ નિર્માણની તપાસની માંગણી કરતા એક વ્યક્તિએ શુક્રવારે સાંજે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના નિવાસસ્થાનની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાણા પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા કર્મચારીઓએ સમયસર આ વ્યક્તિને અટકાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મહેકરના રહેવાસી વિજય એમ પવારે બે-ત્રણ દિવસ પહેલા એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે શેગાંવ-ખામગાંવ પાલખી રોડના નિર્માણમાં નબળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તપાસની માંગણી કરી હતી.
જો માંગણી નહીં સંતોષાય તો તેને ગડકરીના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. ધમકીને પગલે કેન્દ્રીય મંત્રીના ઘરની બહાર વધારાના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પવાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ગડકરીના નિવાસસ્થાન પાસે પહોંચ્યા અને ઝેર પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તરત જ તેમને કાબુમાં લીધા. પવારને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 309 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ કેસ પવાર સામે નોંધવામાં આવશે.