મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનના પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે તેની ઉજવણી વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઓગસ્ટ મહિનામાં થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૂરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ પાંચ વર્ષમાં અનેક જનહિતની યોજનાઓનો શરૂ થતાં પ્રજાને ઘણો લાભ થયો છે. મુખ્ય મંત્રી રૂપાણીના શાસનના ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થતા હોય, ‘પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવાશે એમ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ… થકી લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમો હેઠળ યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, તા. ૧લી ઓગષ્ટ રવિવારે ‘જ્ઞાનશકિત દિવસ’ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયાસ, ૨ ઓગષ્ટ સોમવારે ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો પ્રજાને સરળતાથી મળી રહે તેવા કાર્યક્રમો, તા. ૪ ઓગષ્ટે મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી, તા.૫ ઓગસ્ટે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો, ૬ ઓગષ્ટે યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ, તા.૭ ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ની ઉજવણી, તા.૮ ઓગસ્ટે ‘શહેરી જન સુખાકારી દિન’, તા.૯ ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, બોર્ડ – કોર્પોરેશનના ચેરમેનો, સંસદ સભ્યો, ધારાસભ્યો તથા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખીને આ કાર્યક્રમો યોજાશે.