ભારતમા રવિવારે 24 કલાકમાં કોરોનાના નવા ૨૫,૩૨૦ કેસ નોંધાયા હતા. જયારે આ જ સમયે મહારાષ્ટ્રમાં 16 હજારથી વધુ કેસ મળ્યા હતા. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસમાં આ આંકડો 800ને આંબી ગયો હતો. એકલા સુરતમાં પણ રવિવારે 200થી વધુ કોરોના પોઝિટિવ દર્દી મળતા તંત્ર દોડતું થઈ ગયુ હતુ. આવા સમયે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. શનિ-રવિએ સુરતના દરિયા કાઠે જાહેર જનતાની અવરજવર રોકવા માટે બીચ બંધ રાખવાના નિર્ણયની સરકારે જાહેરાત કરી હતી. સરકારના નિર્ણય મુજબ હવે શનિ તથા રવિવારની રાજમાં સુરતનો ડુમસ અને સુવાલી બીચ પર્યટકો માટે બંધ રહેશે. આ સાથે જ સુરતીઓને હરવા ફરવા માટેના બે સ્થળો બંધ થઈ ગયા છે. જો કે, આમ છતાં 13-14 માર્ચે સુરતના ડુમસ બીચ પર સહેલાણીઓ ટહેલતા નજરે પડ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને મોટા શહેરોમાં કોરોના નોંધાતા કેસનો ગ્રાફ ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. સુરત મહાનગરમાં સ્કૂલ-કોલેજો અને ટ્યૂશન ક્લાસિસમાં બાળકોને કોરોનાથી બચાવવા માટે ખાસ સુચના આપવામાં આવી રહી છે. સુરત મનપાના કમિશનરે જાહેરજનતા જોગ સંદેશો પાઠવતા કહ્યું હતુ કે, શહેરમાં કોવીડ 19નો ફેલાવો ફરી ઝડપી બન્યો છે. તેથી શક્ય હોય તો કામ વગર ઘરની બહાર ન નીકળવું હિતાવહ છે. આ સાથે જ તેમણે લોકોને માસ્ક પહેરવા સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ તાકીદ કરી હતી. જો કે, સુરતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ડુમસ બીચ બંધ હોવા છતાં રવિવારે લોકોની અવરજવર જોવા મળી હતી.
શનિ-રવિમાં આ બીચ પર અનેક લોકો બિદાસ્ત ફરતા જોવા મળ્યા હતા. લંગરથી ડુમસ જવાનો રસ્તો તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે, આમ છતાં પરિવાર સાથે લોકો બીચ સુધી આવતા દેખાયા હતા. પોલીસ બંદોબસ્ત નહિ હોવાથી બીચને રેઢા મુકી દેવાયો હોય તેવી પ્રતીતી થઈ હતી.