ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો હવે લગભગ અંત આવવાની તૈયારી છે. ત્યારે કોરોનાના નવાં વેરિઅન્ટ ડેલ્ટા પ્લસના આશરે 50 કેસ દેખા દેતાં ફરી ફફડાટ ફેલાયો છે. હાલમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આ વેરિઅન્ટના દર્દીઓ છે. નવા વેરીએન્ટમાં કઈ રસી અસરકારક નિવડશે તે અંગે તબીબો હજી પણ અવઢવમાં છે. આવા સંજોગોમાં જો ટૂંક સમયમાં તબીબો કોઈ નિષ્કર્ષ પર નહી આવે તો ત્રીજી લહેર વહેલી આવી શકે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર અસરકારક હોવાનું તારણ નીકળ્યું છે. જો કે, આમ છતાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા નિષ્ણાંતો કેટલીક ગાઈડલાઈન આપી રહ્યા છે. મુંબઈના ડૉ. તૃપ્તિ ગિલાડા કહે છે કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ અન્ય વાઈરસની જેમ રેપ્લિકેટ થાય છે. એટલે કે તે પોતાની સંખ્યા વધારે છે. આ દરમિયાન વાઈરસમાં મ્યુટેશન થાય છે.
વાઈરસમાં થતા ફેરફારને મ્યુટેશન કહેવાય છે. આ પ્રકારના વાઈરસમાં હજારો ફેરફાર થતા હોય છે. પરંતુ કેટલાક એવા ફેરફાર હોય છે જે તે વાયરસને વધુ ખતરનાક અને સંક્રામક કરે છે. 2021ના એપ્રિલ-મે મહિનામાં ભારતમાં કોરોનાને કારણે મોતને ભેટલા લોકોની સંખ્યા વધુ હતી. આ સ્થિતિ માટે કોરોનાના નવા રૂપ ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ જ ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા ફેરફારને લીધે ડેલ્ટા પ્લસ વાઈરસ બન્યો છે. આ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ખતરનાક અને સંક્રામક છે. તબીબોના મતે તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો, શ્વાસ ફૂલી જવો અથવા શ્વાસ લેવામાં કોઈ તકલીફ તેના લક્ષણો છે. ચામડી પર ચકામા, પગની આંગળીઓનો રંગ બદલાઈ જવો, ગળામાં ખરાશ, સ્વાદ અને સુગંધ ન આવે તો તબીબનો તરત જ સંપર્ક કરવો જોઈએ. આ માટે રાખવાની સાવચેતીમાં ડબલ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, હાથને સતત સેનિટાઈઝ કરવું અને બહારથી આવ્યા બાદ 20 સેકન્ડ સુધી સાબુ-પાણી વડે હાથ ધોવું આવશ્યક છે.
દેશમાં કોરોનાની સારવાર અને સંશોધન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમાં વધુ દર્દીના મોત થયા છે. તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે. હવે આ જ ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. કોરોનાનો ડેલ્ટ પ્લસ વેરિઅન્ટ ભારત, અમેરિકા અને બ્રિટનમાં મળી આવ્યો છે. ભારતના 7 રાજ્યોમાંથી 40 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ હોવાની પુષ્ટિ પહેલાંથી થઈ ગઈ છે. તેમાંથી 16 સેમ્પલ એપ્રિલમાં મહારાષ્ટ્રમાંથી લેવામાં આવ્યા હતા. હાલ ભારતમાં આ વેરીઅન્ટના 50 કેસ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના DG ડૉ. બલરામ ભાર્ગવના મતે હાલ બીજી લહેર પૂરી થઈ નથી. કોવીશિલ્ડ અને કોવેક્સિન તમામ વેરિઅન્ટ પર કામ કરી રહી છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ 12 દેશમાં છે. ભારતમાં અત્યાર સુધી 11 રાજ્યોમાં તેના 50 કેસ સામે આવ્યા છે.