શિવસેનાએ ભાજપ પર હુમલો કરવાની ફરી એક તક ઝડપી લેતા 1971ના યુદ્ધને યાદ કર્યું હતુ. શિવસેનાએ આ તકે કૉંગ્રેસના વખાણ કરી BJPને ટોણો માર્યો હતો. શુક્રવારે શિવસેના કહ્યું હતુ કે, રાષ્ટ્ર નિર્માણમાં જે લોકો કૉંગ્રેસના યોગદાન અંગે સવાલો ઉઠાવતા ફરે છે. તે દરેકે 1971ના ઐતિહાસિક ઘટનાક્રમો વિશે વિગતે જાણવું જોઇએ. મરાઠી ભાષામાં પ્રકાશિત મુખપત્ર ‘સામના’માં શિવસેનાએ કહ્યું હતુ કે, 1971માં પાકિસ્તાનને હરાવીને ભારતીય સૈનાએ પોતાની વીરતા-શોર્યનો પરિચય આપ્યો હતો. તો તત્કાલિન સરકારે પોતાની નિર્ણયશક્તિને યથાર્થ ઠેરવી હતી. યુદ્ધમાં પાકિસ્તાનને પછડાટ મળતાં જ બાંગ્લાદેશનું સર્જન થયું હતુ. હાલ ચીની અને પાકિસ્તાની સેના ભારતની સાથે અડીને આવેલી સરહદો પર દરરોજ હરકતો કરી રહી છે.
370ની કલમ દૂર થયા બાદ આજે એક વર્ષ પુરુ થયું છે. આમ છતાં કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ચીન લદ્દાખ સરહદથી દૂર જતુ નથી. અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સીઝફાયરનુ સતત ઉલ્લંઘન કરે છે. 50 વર્ષ પહેલા પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવ્યો હતો. પરંતુ વર્તમાન સરકાર દુશ્મનોને યોગ્ય જવાબ આપવામાં કાચી પડી રહી છે. 1971નું યુદ્ધ રોમાંચક અને પ્રેરણાદાયી રહ્યું છે. શિવસેનાએ પોતાના લેખમાં વધુમાં નોંધ્યું છે કે, ભારતીય સેનાએ ફીલ્ડ માર્શલ સૈમ માણેકશાના નેતૃત્વમાં પાકિસ્તાનીદળો પર હુમલો કર્યો હતો. જે બાદ 13 દિવસમાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી હતી. પાકિસ્તાન પર જીત મેળવ્યાને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ સમય ઇન્દિરા ગાંધીની કૂટનીતિને અને વ્યૂહાત્મક ઘટનાક્રમોને યાદ કરવાનો સમય છે. તે સમયે ઈન્દિરાની રણનીતિમાં પાકિસ્તાનને અમેરિકાની મદદ મળે તે પહેલાં જ તે પરાશ્ત થઈ ગયું હતુ. બીજેપીના નામનો ઉલ્લેખ કર્યા વગર લેખમાં લખાયું છે કે, વ્હોટ્સએપ યૂનિવર્સિટી પર બાલિશ પ્રશ્ન ‘કૉંગ્રેસે 70 વર્ષોમાં શું કર્યું?’ પૂછવામાં આવે છે. આ તમામ લોકોએ 1971ના યુદ્ધની વિગતો વિસ્તૃત રીતે જાણવી અને સમજવી જોઈએ.
2020માં પાકિસ્તાને નિયંત્રણ રેખા પર 4,052 વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે કૉંગ્રેસે શું કર્યું એ પૂછવા કરતા લદ્દાખમાં ચીની ઘૂસણખોરી અને પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા સીઝફાયર સામે વધુ કયા પગલા લઈ શકાય ? તેવા પ્રશ્નો વ્હોટ્સએપ યૂનિવર્સિટી પર થવા જોઈએ.