ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમી હતી. સિરીઝમાં અપેક્ષા મુજબ જ પરિણા આવ્યું. જે રીતે ઇંગ્લેન્ડે ચેન્નાઈના ચેપોક ખાતે પ્રથમ ટેસ્ટ જીતી હતી તે જોતાં તો એમ લાગતું હતું કે બાકી રહેલી ટેસ્ટ અને અન્ય ફોર્મેટની મેચો રોમાંચક બનશે પરંતુ બાકીની ત્રણ ટેસ્ટમાં ભારતનો એક તરફી વિજય થયો. તેમાંય મોટેરા ખાતે રમાયેલી ( આ મેદાન પરની પ્રથમ ટેસ્ટ) ત્રીજી ટેસ્ટ તો માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ. ટી20 સિરીઝ થોડી રોમાંચક રહી કેમ કે તેમાં પહેલી ચાર મેચ સુધી બંને ટીમ સમાન રીતે રમતી રહી અને જીતતી રહી પણ છેલ્લી મેચમાં ભારત મેદાન મારી ગયું. વન-ડે સિરીઝમાં તો પહેલી જ મેચમાં ભારતે શાનદાર દેખાવ કર્યો હતો.
વિરાટ કોહલીની ટીમ અત્યંત મજબૂત છે. ભારતીય ટીમની હજી સુધી તો કોઈ નબળાઈ બહાર આવી નથી કેમ કે તેનું પ્રદર્શન જ એ પ્રકારનું રહ્યું છે પરંતુ આ વખતે ભારતને ઇજાની સમસ્યા નડી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ઉપરા ઉપરી ખેલાડીઓ ઘાયલ થયા હતા. આમ છતાં ભારતે કોહલી સહિતના કેટલાક સ્ટાર ખેલાડીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી એ બાબત નોંધવામાં આવી છે કે તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત હોય તો જ તમે આગળ વધી શકો. ભારત પાસે બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત છે. જે ટીમ રવીન્દ્ર જાડેજા જેવા ઉપયોગી ઓલરાઉન્ડર અને ચપળ ફિલ્ડર ઘાયલ હોવા છતાં જીતી શકતી હોય, જે ટીમ શ્રેયસ ઐયર કે તેના જેવા પ્રતિભાશાળી ખેલાડી વિના રમી શકતી હોય તે ખરેખર પ્રશંસનીય બાબત છે. અગાઉ ગયા વર્ષે વર્લ્ડ કપ વખતે ભારતે રિશભ પંત જેવા ખેલાડીને બહાર રાખવાનું જોખમ લીધું હતું. જે ટીમ રિશભ પંત જેવા આક્રમક બેટ્સમેનને વર્લ્ડ કપ અગાઉ બહાર રાખી શકતી હોય તે ખરેખર મજબૂત લેખાશે. આ રીતે જોઈએ તો ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લા કેટલાક સમયમાં આ વિકલ્પો મજબૂત કર્યા છે તે બાબત પ્રશંસનીય છે.
આજે સ્થિતિ એ છે કે વિરાટ કોહલીની ટીમમાં શિખર ધવન કે ભુવનેશ્વર કુમાર રમે નહીં તો પણ ટીમના પરિણામ પર ખાસ ફરક પડવાનો નથી. વિરાટ કોહલીની ભારતીય ટીમે આ જ લય જાળવી રાખીને આગામી મેચોમાં રમવાનું છે.
અગાઉ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમ સામે અલગ જ પ્રકારનો પડકાર આવ્યો હતો. દરેક ટીમને એક ચિંતા સતાવતી હોય છે કે તેના સુપર સ્ટાર ખેલાડીની નિવૃત્તિ બાદ શું થશે? સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનીલ કુંબલે, સૌરવ ગાંગુલી જેવા સ્ટારની વિદાય બાદ તો ધોની અને કોહલી હતા પણ આ ખેલાડીઓ બાદ કોણ તેવા સવાલનો જવાબ અજિંક્ય રહાણે અને તેના યુવાન સાથીઓએ એક જ સિરીઝ અને કદાચ એક જ મેચમાં આપી દીધો અને સંકેત આપી દીધા કે ભારતનું ભવિષ્ય સલામત છે. આ યુવાનોએ ભારતીય ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ બનાવી દીધું છે.
સૌથી અગત્યની વાત તો એ છે કે જે રીતે ભારતીય ટીમે સફળતા હાંસલ કરી છે તેનાથી ભારતીય ટીમ ફરીથી ક્રિકેટ જગતમાં વર્ચસ્વ જમાવી શકી છે. અન્ય મેચો કે સિરીઝ કરતાં આ વખતના સંજોગો અલગ હતા. આ વખતે ટીમના મોટા ભાગના સ્ટાર ઘાયલ હતા તેમને સ્થાને આવેલા ખેલાડીઓ યુવાન અને બિનઅનુભવી હતા અને ખાસ તો તેમને બ્રિસબેનના ગાબા ખાતે સિરીઝની નિર્ણાયક મેચમાં રમવાનું હતું.
ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડે બાદ રોહિત શર્મા અને શ્રેયસ ઐયર ઘાયલ થયા તેમ છતાં ભારતને ચિંતા ન હતી કેમ કે તેની પાસે વિકલ્પો તૈયાર હતા. હકીકતમાં ટીમ મેનેજમેન્ટે છેલ્લા કેટલાક સમયથી આ જ દિશામાં તૈયારી કરી હતી. રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી આવી જ અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.
આવી જ રીતે ઓસ્ટ્રેલિયાના સમગ્ર પ્રવાસ દરમિયાન ભારતની સમસ્યા ઇજાગ્રસ્તોની રહી હતી. પ્રવાસનો પ્રારંભ થાય તે અગાઉ તો ઇશાન્ત શર્મા ઘાયલ થયો ત્યાર બાદ રોહિત શર્મા પૂરી સિરીઝ રમી શક્યો નહીં પણ માત્ર બે જ ટેસ્ટ રમવા માટે સિડની પહોંચ્યો. છેલ્લી ટેસ્ટમાં તો એવી હાલત થઈ કે ટીમના મોટા ભાગના ખેલાડીઓ ઘાયલ હતા. એવી પણ મજાક થતી હતી કે ટીમનો બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ચીફ કોચ રવિ શાસ્ત્રી હવે તો મેદાનમાં ઉતરે તો જ અંતિમ ઇલેવન તૈયાર થઈ શકે. આ સંજોગોમાં ભારતે નવોદિતોની મદદથી આખરી ઇલેવન મેદાનમાં ઉતારી અને અંતે 328 રનના આકરો ટારગેટ પાર કરીને કાંગારું ટીમને 32 વર્ષમાં પહેલી વાર ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ (બ્રિસબેન) ખાતે હરાવી દીધી. ઓસ્ટ્રેલિયા માટે ગાબા તેનો ગઢ હતો અને અહીં તે 1988 બાદ ક્યારેય હારી ન હતી પણ મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને રિશભ પંત જેવા નવા નિશાળીયા સામે તેમને હારનો સામનો કરવો પડ્યો.
અહીં જ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ કામમાં આવી ગઈ. ભારતના નવોદિતો અથવા તો ઓછો અનુભવ ધરાવતા ખેલાડીઓએ એવું પ્રદર્શન કર્યું કે આ પ્રવાસ યાદગાર સાબિત થયો. સામાન્ય રીતે હરીફ ટીમને માનસિક રીતે તોડી પાડવા માટે જાણીતા એવા કાંગારું ખેલાડીઓ પણ અવાચક થઈ ગયા. તાજેતરના ગાળામાં ભારતની નવી શોધ વિશે વાત કરીએ તો મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શુભમન ગિલ, હનુમા વિહારી, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર તમામે પ્રભાવિત કર્યા છે.
સ્પોર્ટ્સ કોર્નર
સિધ્ધાર્થ ત્રિવેદી☝🏼