માલદિવ ખૂબ જ મનમોહક ટાપુ છે. તેનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય છે. કુદરતના સાંનિધ્યે ઘણા કપલ્સને જીંદગીનો નવો અધ્યાય શરૂ કરવાનું મન થાય એવું છે અને તેથી જ અનેક લોકો તેમના હનીમૂન માટે માલદિવ જવાનું પસંદ કરે છે. જો કે કોરોનાના આ સમયકાળમાં હનિમૂન માટે કે ફરવા જવા માટે માલદિવ જતાં પહેલાં બે વખત વિચાર કરજો, નહીંતર લાખો રૂપિયાના ખાડામાં ઉતરી જશો. અનેક હિન્દી ફિલ્મોમાં તમે માલદિવનું કુદરતી સૌંદર્ય જોયું જ હશે. માલદિવ ખરેખર મનમોહક કુદરતી સૌંદર્ય તમને જીંદગીનો નવો અધ્યાય શરૂ કરવા માટે યોગ્ય સ્થળ છે. ઉપરાંત ભારતથી હવે માલદિવની ઘણી ફ્લાઇટ જાય છે અને એ સસ્તી પણ પડે છે, ત્યારે અનેક નવદંપતિઓ હનીમૂન માટે માલદિવ જતા હોય છે. પરંતુ કોરોનાના સમયમાં અનેક કપલ્સને ત્યાં માઠા અનુભવ થઇ રહ્યા છે.
એક જૈન દંપતિ હનીમૂન માટે માલદિવ પહોંચ્યું હતું. હવે ત્યાં જઇને તે દંપતિ એવું ફસાયું છે કે તેણે ગુજરાત સરકાર અને માલદિવ ખાતેના ભારતીય એલચીને ટ્વીટ કરીને મદદની ટહેર નાંખવી પડી છે. આ નવ દંપતિ હનીમૂન માટે માલદિવ જવા નીકળ્યું , ત્યારે નવી જીંદગીના ઓતરા સાથે એ ફ્લાઇટમાં બેઠા, ત્યારે આંખમાં સપના આંજીને ઉપડ્યા, પણ ત્યારે તેમને ક્યાં ખબર હતી કે તેમનું હનીમૂન તેમને માટે એક સજા બની રહે એમ છે. આ જૈન દંપતિ માલદિવના એરપોર્ટ પર ઉતર્યું કે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ ટેસ્ટમાંથી એકનો ટેસ્ટ પોઝીટીવ આવતાં દંપતિમાંથી એકને ક્વોરન્ટાઇન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે કઠણાઇ એ કે ક્વોરન્ટાઇનમાં રહેવા માટે હોટલનો એક રૂમ અલગ રાખવો પડે અને એ માટેનું ભાડું 5 લાખ રૂપિયા થઇ જાય. હનીમૂન કે ફરવા માટે જતાં બધા જ લોકો કાંઇ પૈસાવાળા હોતા નથી. મોટા ભાગના લોકો તો પેકેજ ટુરમાં જ જતા હોય છે, તેથી વધારાનો ખર્ચ કાઢવા માટે પૈસા હોતા નથી. એવા લોકો માલદિવમાં ભેરવાઇ જાય તો તેમને માટે તો 5 લાખનો વધારાનો હોટલનો ખર્ચ ચોંટી જાય અને એ ત્યાં નહીં ચૂકવો ત્યાં સુધી હોટલવાળા તમને ચેકઆઉટ કરવા ન દે અને વધુ રહો તો બિલનો આંકડો સતત વધતો જાય.. સરવાળે તમારે માથે દેવાનો ડુંગર ખડકાતો જાય અને એ માટે આખરે તમને નિરાશ થઇ જાવ, નાસીપાસ થઇ જાવ…
ને વળી હનીમૂન માટે ગયેલા દંપતિઓ માટે તો અલગ રહેવાનું જ આવે એ વળી વધુ એક સજા. જૈન દંપતિએ એ સંજોગોમાં ટ્વીટ કરીને ગુજરાત સરકાર તથા ભારતના એલચીની મદદ માંગી છે, એવું જ બીજું એક દંપતિ પણ માલદિવ જઇને આ જ રીતે ભેરવાઇ પડ્યું છે. તેમના કિસ્સામાં તો એવું બન્યું છે કે વિમાનમાં આવેલા એકાદ મુસાફરનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં એ ભારતીય દંપતિને પણ ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું. ક્યાંક કોરોના પોઝીટીવના નામે હોટલનો બિઝનેસ ઘણા દિવસ ચાલે એવો તો આ ખેલ નહીં હોય ને ? હોય તો પણ વિદેશની ધરતી પર ફસાઇ જવાનું કામ કેવું ચિંતાજનક હોય એ જે ફસાઇ જાય તેને જ ખબર પડે, તેથી અત્યારે ફરવા માટે કે હનીમૂન માટે માલદિવ જતાં પહેલાં ક્વોરન્ટાઇનના દિવસો અને ખર્ચનું જોખમ ગણીને જ જવા જેવું છે, નહીંતર આપણા જ દેશમાં ક્યાંક ફરી અવાય એ પણ સારું જ છે ને ?