લો, તમે કોઇ સામાન્ય ગુના હેઠળ પકડાવ અને પોલીસ દંડ ફટકારે, ગજવામાં રોકડા ન હોય તો પોલીસ ઇ પેમેન્ટ પણ સ્વીકારે તો તમે રાજી થઇ જાવ કે બલા ટળી પણ સાચવજો, દંડના નાણાં સરકારની તિજોરીમાં જમા થવાને બદલે કોઇ બુટલેગરના ખાતામાં જમા થતા ન હોય ! ના, આ કાલ્પનિક વાત નથી. વડોદરામાં એવું જ થયું છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં શનિવારે માસ્ક વ્યવસ્થિત નહીં પહેરવા બદલ યુવાનને દંડ ફટકાર્યો હતો. કારેલી બાગ ન્યૂ વીઆઇપી રોડ ઉપર રહેતા અને એમ.આર. તરીકે કામ કરતો રાહુલ પંડ્યા શનિવારે સાંજે ચા પીવા ઊભો હતો, ત્યારે ફોન ઉપર વાતચીત કરવા જતા માસ્ક નાક નીચે ઉતરી ગયું હતું. એ જ સમયે પોલીસે આવી તેનો ફોટો પાડી લીધો હતો. માસ્ક યોગ્ય રીતે નહીં પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ પોલીસે ફટકાર્યો હતો.
રાહુલે તેની પાસે 1000 રૂપિયા રોકડા ન હોવાનું જણાવતા પોલીસે તેને સયાજીગંજ પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી કરી હતી. એ સ્થિતિમાં રાહુલે ઝંઝટમાં પડવાને બદલે દંડની રકમ ભરલા માટે રકડા નથી, ત્યારે બીજો વિકલ્પ આપવા વિનંતી કરતા ઇ પેમેન્ટ કરવાનો વિકલ્પ નીકળ્યો હતો. પોલીસે જે નંબર આપ્યો તેના ઉપર રાહુલે 1000 રૂપિયાનું ઇ પેમેન્ટ કરી દીધું હતું. પોલીસે તેને પાવતી પણ આપી દીધી હતી. જો કે ડિજિટલ યુગની પોલીસ પાસે ઇ પેમેન્ટથી દંડ વસુલ કરવાની કોઇ જોગવાઇ નથી. જો કે વચલા માર્ગ તરીકે આ વિકલ્પ પોલીસે અપનાવ્યો હોઇ શકે. એ અલગ વાત છે. પરંતુ અહીં પોલીસ અને બુટલેગર વચ્ચેના સારા સબંધોનું રહસ્ય ખુલી ગયું છે. રાહુલે જે 1000 રૂપિયાનું ઇ પેમેન્ટ કર્યું તે ગૂગલ પેથી નાણાં અનવર ચૌહાણ નામની વ્યક્તિના ખાતામાં જમા થઇ ગયા. જો કે એ કોઇ પોલીસ નહીં પણ પોલીસના ચોપડે નોંધાયેલો બુટલેગર હોવાનું બહાર આવ્યા બાદ આ ઇ પેમેન્ટ ભારે વિવાદ જગાવ્યો છે.