ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ પર વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યાનો આખરે અંત આવ્યો છે. ગત રોજ રાજ્યના નાયબ મંત્રી નીતિન પટેલે નર્મદા નદી પર નવા બંધાયેલા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. બ્રિજના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રીએ ભરુચ જિલ્લામાં ૨૨૨ કરોડના ખર્ચે બનનાર નવા રસ્તાનું પણ ખાતમુર્હુત અને ભૂમિપૂજન કર્યુ હતુ. આ પ્રસંગે કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલા સમારંભમાં નિતીન પટેલે જણાવ્યુ હતુ કે, ૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફોરલેન બ્રિજને મંજૂરી આપી હતી. આ બ્રિજના લોકાર્પણ સાથે જ હવે ભરુચ, અંકલેશ્વર જ નહીં પરંતુ સુરત અને સૌરાષ્ટ્ર સુધીના વાહન ચાલકોને ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતુ કે, આ બ્રિજ નિર્માણ માટે રાજ્ય સરકારે ૪૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. માત્ર ભાષણો અને વાતો નહીં, પરંતુ કામ કરીને અમે લોકોનો વિશ્વાસ જીત્યો છે. કેન્દ્રમાં તે સમયે કોંગ્રેસ સરકાર ગુજરાત સાથે આડોડાઈ કરી રહી હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આખા બ્રિજનું નિર્માણ ગુજરાતની તિજોરીમાંથી જ ખર્ચ કરીને કરવાનો નિર્ણય લીધો હતો.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પરના ૧૪૪ વર્ષ જુના ગોલ્ડન બ્રિજ પર ટ્રાફીકનું ભારણ વધી જતા સમસ્યા સર્જાતી હતી. અવારનવાર ટ્રાફીકજામને કારણે ભરૂચ અને અંકલેશ્વર તરફ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી જતી હતી અને વાહન ચાલકોને ૧૦ મિનિટનો રસ્તો પસાર કરવામાં એક-એક કલાક નીકળી જતો હતો. ઘણા સમયથી સર્જાય રહેલી આ ટ્રાફીક સમસ્યા સંદર્ભે રાજય સરકારમાં રજુઆતો થતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગોલ્ડન બ્રિજની સમાંતર નવો ફોરલેન બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. ૨૦૧૫માં બ્રિજના નિર્માણનું કાર્ય શરૂ થયુ હતુ. ૫ કિલોમીટર લાંબો નર્મદા મૈયા બ્રિજ સંપુર્ણ તૈયાર થઈ જતા અષાઢી બીજના દિવસે તેનું લોકાર્પણ થયું છે. સાંકડા ગોલ્ડન બ્રિજના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓનો સામનો ભરૂચ-અંકલેશ્વર, સુરત અને સૌરાષ્ટ્રના લોકો કરી રહ્યા હતા. અવારનવાર ટ્રાફીક સમસ્યા અંગેના અહેવાલો મિડીયામાં આવતા હતા. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે તકતીનું અનાવરણ અને રીબીન કાપી ફોરલેન બ્રિજનું લોકાર્પણ થતાં મોટી સંખ્યામાં ભરૂચીઓએ બ્રિજ પરથી પસાર થવાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, સહકાર મંત્રી ઈશ્વર પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હાઈવે પર સરદાર બ્રિજ નજીક કેબલ બ્રિજ તૈયાર થઈ જતા ભરૂચની ૫૦ ટકા ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. ત્યારબાદ સાંકડા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકાયો છે. જો કે, હવે પછી અંગ્રેજો દ્વારા ૧૪૪ વર્ષ પહેલા નિર્માણ કરાયેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાતકાળ બની જશે. ગોલ્ડન બ્રિજને વાહનો માટે ચાલુ રાખવો કે બંધ કરવો તેવો સવાલ પુછાતા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું હતુ કે, ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લા અને ગુજરાત માટે અમુલ્ય વિરાસત સમાન છે. આ અમુલ્ય વિરાસત સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની યાદગીરીને હંમેશા જીવંત રાખવામાં આવશે. ગોલ્ડન બ્રિજને હેરીટેજ જાહેર કરવાની માંગ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરાશે.