કેટલાક આતંકવાદીઓ એલઓસી પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ જવાનોએ સતર્કતા દાખવીને કુલ 3 આતંકીઓને પકડી લીધા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સફળ G20 સમિટથી ઉત્સાહિત પાકિસ્તાને એલઓસી પર નાપાક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. બુધવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો જેને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. પુંછ જિલ્લામાં બનેલી આ ઘટનામાં, સૈનિકોએ નિયંત્રણ રેખા પર શંકાસ્પદ પ્રવૃત્તિ જોયા બાદ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક આતંકવાદી ઘાયલ થયો હતો જ્યારે અન્ય 2 પાછા જઈ શક્યા ન હતા અને સેનાના જવાનોએ તેમને પકડી લીધા હતા.
3 થી 4 આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો
અહેવાલો અનુસાર, આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના આ પ્રયાસને પૂંચ જિલ્લાના ઉરી સેક્ટરમાં ચેતન ચોકી પાસે નિષ્ફળ કરવામાં આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે 3 થી 4 આતંકીઓએ LoC બાજુથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે, જ્યારે સૈનિકોએ એલઓસી પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બીજી બાજુથી ગોળીબાર શરૂ થયો. જવાબી ગોળીબારમાં કેટલાક આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી જવાનોએ ઘટનાસ્થળેથી ઘાયલ આતંકવાદી સહિત કુલ 3 આતંકીઓને પકડી પાડ્યા હતા.
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે
અહેવાલો અનુસાર પકડાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓના નામ મોહમ્મદ રિયાઝ, મોહમ્મદ ફારૂક અને મોહમ્મદ ઝુબેર છે. જેમાંથી ફારૂક નામનો શકમંદ ઘાયલ થયો છે. આ લોકો પાસેથી હથિયારો મળી આવ્યા છે. તેમની પાસેથી એક AK47 બંદૂક, એક મેગેઝિન, AK47ના 10 રાઉન્ડ, 2 પિસ્તોલ, પિસ્તોલના 4 મેગેઝિન, પિસ્તોલના 70 રાઉન્ડ, 6 ગ્રેનેડ, હેરોઈન જેવા પદાર્થના 20 પેકેટ અને શંકાસ્પદ 10 કિલો આઈઈડી મળી આવી છે, જેને ડિફ્યુઝ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા હથિયારોમાં IED અને નાર્કો સામેલ છે. ગોળીબારમાં એક ભારતીય જવાન પણ ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.