બીલીમોરા નગરપાલિકામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ ને કારણે નગરજનો હવે કફોડી સ્થિતમાં મુકાઇ ગયા છે. પાલિકામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલનો સદંતર અભાવ હોય એવું દેખાઇ રહ્યું છે. પાલિકાના વિવિધ વિભાગના ચેરમેનો અને જે તે વોર્ડના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના જ મન ફાવે તેમ નિર્ણયો લેવાઈ રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
તાજેતરમાં જ કેટલાક લોકોએ દ્વારા નળ જોડાણ રદ કરવા અંગેની નગરપાલિકામાં અરજી કરી હતી. નળ કનેક્શન રદ કરવા માટે નળ કનેક્શન કપાવીને અધિકૃત પ્લમ્બર પાસે એક સર્ટીફિકેટ મેળવી પાલિકાની વૉટર વર્કસ શાખામાં તેને રજૂ કરવાનું હોય છે. ત્યારબાદ નળ કનેક્શન રદ કર્યુ એમ ગણાય છે. પરંતુ આ વખતે બીલીમોરા ચીફ ઓફિસરની સહી સાથે નળ જોડાણ રદ કરનારા અરજદારોને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે
આપ દ્વારા જે બોરિંગનું પાણી વપરાશમાં લેવામાં આવતું હોય તે પાણીનો કેમિકલ અને બેક્ટેરિયોજીકલ ટેસ્ટ નવસારી ખાતે જિલ્લા પ્રયોગશાળામાં કરાવાનો રહેશે અને સાત દિવસમાં રિપોર્ટ અહીંની કચેરીએ રજૂ કરવો. આ પત્રના અંતમાં એક નોંધ દર્શાવાઇ છે જેમાં લખ્યું છે કે ઉપર ની વિગતે પાણીના સેમ્પલનું ટેસ્ટ રિપોર્ટ અત્રે રજૂ થયા બાદ જ નળ જોડાણ કનેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની પણ નોંધ લેવા વિનંતી છે.
મોટાભાગના અરજદારોને આ પત્ર માર્ચ મહિનાના છેલ્લા અઠવાડીયામાં પાઠવવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી આ કાર્યવાહી કેમ કરવી એ પણ નગરજનો માટે મોટો પ્રશ્ન છે. 01 એપ્રિલ આવતાની સાથે જ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના વેરા માંગણા બીલમાં પાણીવેરો લાગુ થતા લોકોને ફરી દંડ ફટકારાશે.
પાલિકા અને તંત્રના આવા તઘલખી નિર્ણયો સામે નગરજનોની ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પૈકી કેટલાક અરજદારો તો લાંબા સમયથી અન્ય સ્થળોએ વસવાટ કરી રહ્યા છે તો કેટલાક આરઓ નું પાણી વાપરી રહ્યા છે, કેટલીક જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણીનો ફોર્સ જ નથી આવતો જેના કારણે ઊંચા વિસ્તારમાં નળમાં પાણી આવતા જ નથી, કોરોના મહામારીના લીધે કેટલાક પરિવારની આર્થિક સ્થિત પણ કથળી છે, છતાં લોકોને યેન કેન પ્રકારે દબાણ આપી નળ કનેકશન રાખવા મજબુર કરાઇ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ સમગ્ર બાબતે બીલીમોરા વૉટર વર્કસ ચેરમેન રમીલાબેન ભાદરકાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું આ બાબતથી અજાણ છું. મને આ બાબતની કોઈ જાણકારી ચીફ ઓફિસર તરફથી આપવામાં આવી નથી. બીલીમોરા પાલિકાના પ્રમુખ ,ચેરમેનો અને ચીફ ઓફિસર વચ્ચેના સંકલનના અભાવે કારણે બીલીમોરા ની ભોળી જનતા પીસાઈ રહી છે તે ચોક્કસ છે.