- ધારાસભ્ય નરેશ પટેલની રજૂઆત બાદ ગૃહ વિભાગે બીલીમોરા પોલીસ સ્ટેશનને પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવા માટેની વૈધાનિક કાર્યવાહી શરૂ કરી દીધી
વલસાડ,
બીલીમોરા ગામમાંથી નગર બન્યું અને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની ગઇ પરંતુ બીલીમોરાના આટલા મોટા શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર નિગરાણી રાખતાં પોલીસ મથકનું અપગ્રેડેશન થયું ન હતું. જે સંદર્ભે ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલે ગુજરાત સરકારનાં ગૃહ વિભાગને ઍક પત્ર લખી બીલીમોરા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા માટેની કરેલી રજૂઆતનાં સાનુકુળ પ્રત્યાઘાત સાંપડ્યા હોવાના અહેવાલ છે.
ગૃહ વિભાગનાં સચિવ નિપૂણા તોરવણઍ સપ્ટેમ્બર-૨૦૨૦માં બીલીમોરા પોલીસ સ્ટેશનને પીઍસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવાની કાર્યવાહી કરવાનાં નિર્દેશો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને મોકલી આપ્યા છે. આ સંદર્ભે જાણવા મળેલી વિગતો મુજબ ગૃહમંત્રીશ્રીઍ પણ બીલીમોરા શહેર પોલીસ સ્ટેશનને પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી દીધી છે.
સપ્ટેમ્બર-૨૦૨૦માં ગૃહ વિભાગે બીલીમોરા પોલીસ સ્ટેશનને પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવાની વૈધાનિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સંભવતઃ નજીકનાં દિવસોમાં બીલીમોરા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાના નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે. ધારાસભ્ય નરેશ પટેલની રજૂઆત બાદ ગૃહ વિભાગના હકારાત્મક વલણને લઇને અને બીલીમોરાને પીઆઇ કક્ષાનું પોલીસ સ્ટેશન મળવાની વાતથી સમગ્ર બીલીમોરા શહેરની જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.