બીલીમોરા નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ જયંતિ પર માર્ગ નવીનીકરણમાં પ્લાસ્ટિક કચરાનો સકારાત્મક નિકાલ કરી પ્લાસ્ટિક પ્રદુષણ ને ડામવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. એક રીતે જોઇએ તો માનવીય જીવનના દૈનિક કામકાજમાં પ્લાસ્ટિકનો પગપેસારો થતાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે જોખમકારક સાબિત થયું છે. પ્લાસ્ટિક કચરાનો નિકાલ દુનિયા માટે મોટું સંકટનો આમંત્રણ આપી રહ્યું છે. પ્લાસ્ટિકને જો બાળવામાં આવે તો તે વિઘટીત થઇ ઝેરી ઘટકો ઉત્સર્જિત કરે છે.
સેંકડો વર્ષ જમીનમાં એમ ને એમ રહી ઝેરી તત્વો સતત છોડે છે. દરીયામાં ફેંકવામાં આવે તો જીવસૃષ્ટિ માટે જીવલેણ સાબિત થાય છે. રિસાયકલથી જો કોઇ વસ્તુ બનાવવામાં આવે તો પ્રોડક્ટ ગુણવત્તા વિહીન રહે છે. એક રીતે જોઇએ તો પ્લાસ્ટિક સામાન્ય સંજોગોમાં બળશે નહીં અને પીગળશે પણ નહીં. તેને લીધે સતત વધતો જતો પ્લાસ્ટિક ભરાવો ચિંતાજનક બન્યો છે. આવા સંજોગોમાં નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પર માળખાકીય માર્ગ પરિવહન માટે રસ્તા નિર્માણમાં નકામા પ્લાસ્ટિક ઉપયોગ કરી પ્રદુષણ મટાડવા નવતર પહેલ કરી હતી.
બુધવારે માધવબાગ સોસાયટી ની પાછળના ભાગે ટી પી રોડ ના આશરે 50 મીટરના ભાગમા પ્રાયોગિક ધોરણે માટીના લેયરને રોલીંગ કરવામાં આવ્યું અને એના પર આ નકામા પ્લાસ્ટિક ને પાથરી દેવામાં આવ્યુ અને એના પર ફરીથી રોલીંગ કરી જીએસબી નાખી રોલીંગ કરી મેટલીંગ કરીને ડામર રોડ બનાવવાનુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરિણામે નકામુ પ્લાસ્ટિક રોડની નીચે દબાઇ જશે.
આ પ્રસંગે શહેર ઇજનેર સંકેતભાઇ પટેલે કહ્યું કે આ આજીવન રોડ જ રહેવાનો છે ત્યાં ક્યારેય ખેતી કે એનો બીજો ઉપયોગ થવાનો નથી અને આ રીતે રોડની નીચે પ્લાસ્ટિકના લેયરના કારણે રોડની મજબૂતાઈ પણ વધવાની છે, આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન સુચેતાબેન દુષાણે, સભ્યો પીનાબેન પટેલ, વર્ષાબેન સારંગ, હેતલબેન દેસાઈ વિપક્ષના મલંગભાઈ કોલીયા હરીશભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.