નવસારી જિલ્લાના બીલીમોરા એસટી ડેપોમાંથી મુસાફરોને લઈને જતી નાઈટ રૂટમાં પીપલખેડ ગામે જઇ રહેલી એસ.ટી.બસમાં કંડક્ટરે મુસાફરોને ટિકિટ ન આપી હોવાનો એક મામલો સામે આવ્યો છે. નશાની હાલતમાં ફરજ બજાવતા તેમજ મુસાફરોને ટિકિટ ન આપતા મુસાફરો દ્વારા ચીખલી બસ સ્ટેન્ડમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદ બાદ બસના ડ્રાઈવરે કંડકટર વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ચીખલી પોલીસે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરતા બસમાં ફરજ બજાવતા અન્ય ડ્રાઈવર કંડક્ટરોમાં આ બનાવને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીલીમોરા એસ.ટી ડેપોમાંથી નાઈટ રૂટ માટે બીલીમોરાથી સવા પાંચેક વાગ્યાની આસપાસ પીપલખેડ તરફ મુસાફરોને લઈને જતી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 1967માં ફરજ બજાવતા કંડકટર વિજય ભીખુભાઈ ધોડિયા પટેલે પોતાની ફરજ દરમિયાન બીલીમોરા થી એસટી બસમાં બેસેલા મુસાફરોને ટિકિટ આપી ન હતી. નશાની હાલતમાં જણાતા જે અંગેની જાણ ચીખલી બસ સ્ટેન્ડમાં જવાબદાર અધિકારીને તેમજ બસના ડ્રાઇવર એવા ડાયાભાઈ નાથુભાઈ પટેલને રજૂઆત કરતા તેમણે સૌપ્રથમ ટીસીને જાણ કરી હતી અને ત્યારબાદ બીલીમોરા ડેપો ના ઈન્ચાર્જ ને જાણ કરી કંડકટર વિજય પટેલ ને હોસ્પિટલમાં લઈ જઇ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વિજય પટેલના લોહીમાં ૫૮.૧૦% નું આલ્કોહોલનું સેવન કર્યુ હોવાનું તપાસ દરમિયાન જણાઇ આવતા જે ચીખલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવને લીધે એસટી બસમાં ફરજ બજાવતા ડ્રાઇવર અને કંડકટરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જે બનાવ અંગેની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.