એલન મસ્ક દ્વારા બિટકોઈનમાં રોકાણ કરવાની જાહેરાત બાદ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તેજી આવી છે. પખવાડિયા કરતા પણ વધુ સમયથી તેની કિંમતમાં સતત વધારો થતો રહ્યો છે. આમ તો આ ચલણ આભાસી છે. છતાં દુનિયામાં લાખો લોકો તેની લે વેચ કરી રહ્યા છે. આ બિટકોઈન પર કોઈ દેશનો ટેક્સ લાગુ પડતો નથી. કારણ કે તે કોડરૃપે જ હોય છે. જયારે તેના માલિકને ગુપ્ત પાસવર્ડ સાથે સલામતીનો ભરોસો આપવામાં આવે છે. ગત 18મી ફેબ્રુઆરીએ ગુરુવારે બિટકોઇનની કિંમત ૫૧,૭૩૭ ડોલર એટલે કે રૂપિયા ૩૮ લાખ રહી હતી. જે બુધવારે બાવન હજાર ડોલર રહી હતી. શુક્રવારે જ બિટકોઇનનું કુલ માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. બિટકોઇનમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇનનું મૂલ્ય ૯૨ ટકા કરતાં વધુ થયું છે.
શનિવારે આ બિટકોઇને પાંચ હજાર ડોલરની છલાંગ લગાવતા તેની કિંમત ૫૬ હજાર ડોલર થઈ ગઈ હતી. એટલે કે ભારતીય ચલણ મુજબ હવે એક બિટકોઈનની કિંમત રૂપિયા ૪૦ લાખને આંબી ગઈ છે. બિનાન્સ કોઇન્સમાં ૧૦૦ ટકા, સ્વાઇપ (એસએક્સપી)માં ૪૮ ટકા વધ્યાં છે. ડેશમાં ૪૧ ટકા, વઝીરએક્સ ટોકનમાં ૧૪ ટકા અને ટ્રોનમાં ૧૨ ટકાનો વધારો થયો છે. મોટાભાગના ભારતીયો બિટકોઇનનો વિકલ્પ શોધી રહ્યા છે. બિટકોઇનની કિંમત હાલ આસમાન પર હોવાથી ભારતીયો અન્ય વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યાં છે. મળતી વિગતો મુજબ શનિવારે બિટકોઇનમાં ઉછાળો આવ્યો અને તેની સપાટી ૫૬,૬૨૦ ડોલરને સ્પર્શી ગઈ હતી. જો કે, તે પછી થોડી નરમાઈ આવતાં ૫૫,૮૬૩.૨૦ ડોલર એટલે કે ભારતીય ચલણના રૂપિયા ૪૦,૧૧,૧૦૨.૯૬ની સપાટી પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. બિટકોઈનની કિંમતમાં ઉછાળા પાછળનું કારણ એકમાત્ર એલન મસ્કે તેમાં રોકાણ કરવા માટે દાખવેલી દિલચસ્પી જ છે તેમ લાખો રોકાણકારો પણ માની રહ્યા છે. જો કે, બિટકોઇનથી સસ્તી એવી એલ્ટકોઇન્સ અથવા તો વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સીમાં પણ જોરદાર તેજી આવી છે. મળતી વિગતો મુજબ ટોચની પાંચ વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સી એવી ઇથરિયમ, રિપ્પલ, બિનાન્સ કોઇન, સ્ટેલર અને ટ્રોનમાં રોકાણ વધવા માંડ્યું છે. આ ક્રિપ્ટોકરન્સીમાં ચારથી પાંચ ગણો ઉછાળો આવતા તેની નોંધ દુનિયાએ લીધી છે.