હવે ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર પ્રદેશ પણ ચિંતા કરાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પરાજય થયા બાદ ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પણ ભાજપ માટે ચિંતાજનક રહી છે. સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી માટેનું આ વર્ષ છે, ત્યારે એ પહેલાં લિટમસ ટેસ્ટ ગણાતી પંચાયતની ચૂંટણીમાં ભાજપને ફટકો વેઠવો પડ્યો છે. જે રામ મંદિરના નામે ભાજપ અત્યાર સુધી તરતો રહ્યો છે, એ અયોધ્યામાં પણ પરાજય થયો છે.
ઉત્તર પ્રદેશના પંચાયત ચૂંટણીના પરિણામે ભારતીય જનતા પાર્ટી માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. કોરોના મહામારીના વર્તમાન સંકટ સામે ઝઝુમતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે, તેના પર આ પરિણામની વિપરીત અસર પડી શકે એમ છે. આ રાજકિય ગતિવિધિના જાણકાર લોકો માટે અનુસાર સરકારે હવે વિધાનસભ્યો અને સાંસદોને કહ્યું છે કે તેઓ સોશ્યલ મીડિયા પર કોઇ પણ આત્મપ્રચાર કરતાં પહેલાં ઓક્સિજન પ્લાન્ટસ, હોસ્પિટલના બેડ વધારવા અને દવાઓ ખરીદી વધારવા માટે પ્રયાસ કરે.
ફીડબેક મળ્યા બાદ પાર્ટીના નેતા પોતાના મત વિસ્તારની સાથે સાથે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગાયબ થઇ ગયા હોવાનું કહેવાય છે. એક કેન્દ્રિય નેતાએ કહ્યું કે લોકોમાં એવી ધારણા છે કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર વધુ ધ્યાન આપે છે, પરંતુ કોઇ પણ તેમાં દિલચસ્પી રાખતું નથી. લોકો મહામારીથી ચિંતીત છે, જેનાથી લગભગ બધા જ અસર પામ્યા છે. જ્યારે સરકાર લોકોની મદદ કરવા પગલાં ભરી રહી છે, પણ મંત્રી, સાંસદ અને વિધાનસભ્યો લોકોની મદદ કરતાં અને સહાનુભૂતિ દર્શાવતા દેખાતા નથી. તેમણે કહ્યું કે, જનપ્રતિનિધિઓને જાણ કરાઇ છે કે છબી બદલવા અને ધારણા બદલતા પહેલાં તેમણે કરેલા કાર્યોના પુરાવા આપવા પડશે.
યાદ રહે કે મંગળવારે જાહેર થયેલા ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો મુજબ ભારતીય જનતા પાર્ટી અયોધ્યા, વારાણસી, લખનૌ અને ગોરખપુર જેવા ભાજપના ગઢમાં પણ પક્ષને મોટો ફટકો પડ્યો છે. યાદ રહે કે વારાણસી વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર છે, તો ગોરખપુર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મત વિસ્તાર છે. વારાણસીમાં સમાજવાદી પાર્ટીએ 40માંથી 15 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપ અને બસપાને 7-7 બેઠક મળી છે. કોંગ્રેસનો 5 બેઠક પર વિજય થયો છે. અયોધ્યા રામ મંદિરને કારણે ભાજપનો ગઢ ગણાતું આવ્યું છે. ભાજપના સત્તા સુધી પહોંચવાના માર્ગમાં અયોધ્યાના રામ મંદિરનો સિંહફાળો રહ્યો છે. પરંતુ અયોધ્યાની ચૂંટણીમાં 40 બેઠકોમાંથી ભાજપને માત્ર 6 બેઠકો જ મળી છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 24 અને બસપાને 5 બેઠકો મળી છે. ગોરખપુરમાં 68 બેઠકોમાંથી ભાજપને ફાળે 20 અને સપાને ફાળે 19 બેઠકો આવી છે. યાદ રહે કે હજુ મતગણતરી ચાલી રહી છે, ત્યારે અત્યારના સંકેત કહે છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થઇ ગયા છે. એ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આ નુકશાન ભરપાઇ કરવા માટે કમર કસવી પડશે અને તો જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સારો દેખાવ કરી શકશે.