વિધાનસભાની ચૂંટણીમાં આગેવાનો કાર્યકરોની નારાજગીને શાંત કરવા તેમજ ચૂંટણી લડવા ઇચ્છુકોને પણ રજૂઆતની તક આપવા કોંગ્રેસ બાદ આગામી 27મીએ ભાજપના નિરીક્ષકો પણ ભાવનગર આવશે. નિરીક્ષકો સમક્ષ પરિવર્તનનો પવન ફૂંકવા ભાજપના આગેવાનોએ અત્યારથી જ હથિયારો સજાવી રાખ્યા છે. ચૂંટણી પૂર્વે આંતરિક જૂથવાદ, પક્ષ અને પ્રતિનિધિઓ પ્રત્યેની નારાજગી બહાર લાવવા દરેક ચૂંટણી વખતે રાજકીય પક્ષો દ્વારા નિરીક્ષકોને મોકલી આગેવાનો કાર્યકરોને સાંભળતા હોય છે.
કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભા વાઈઝ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સાંભળ્યા હતા અને વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુકોના બાયોડેટા પણ મેળવ્યા હતા. ત્યારે આગામી 27મીએ ભાજપના નિરીક્ષકો પણ ભાવનગર આવશે. 27મીએ સવારે 10 કલાકે પૂર્વ વિધાનસભા મતવિસ્તાર અને ત્યારબાદ બપોરે 1 કલાકે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના અપેક્ષિતોને સાંભળશે. અપેક્ષિતોમાં ભાજપ શહેર સંગઠન, વોર્ડ પ્રમુખ મહામંત્રી, નગરસેવકો, સેલ મોરચાના પ્રમુખ મહામંત્રી સહિતના ઉપસ્થિત રહી પોતાની રજૂઆત કરી શકશે.
ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વર્તમાન ધારાસભ્યો સામે ભાજપના જ આગેવાનોમાં નારાજગીનો સૂર ફેલાયેલો છે. ત્યારે આગામી 27મીએ આવનાર નિરીક્ષકો સમક્ષ ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉકળાટ ઠાલવવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. જેથી ચૂંટણી પહેલાં જ ભાજપમાં વિખવાદ અને વિવાદ સર્જાયો છે. આગામી 27મી ભાજપના નિરીક્ષકો સમક્ષ જે કોઈ ચૂંટણી લડવા ઇચ્છુક હોય તેઓ પોતાના બાયોડેટા પણ રજૂ કરી શકશે. પરંતુ નિરીક્ષકો સમક્ષ માત્ર અપેક્ષિતોની જ રજૂઆત કાને ધરાશે. ભાજપના અપેક્ષિતો સિવાય કોઈ વ્યક્તિ, જૂથ કે સમાજ દ્વારા કોઈની વિરુદ્ધ કે તરફેણની રજૂઆતને નજર અંદાજ કરાશે.