સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયા બાદ હાલ પાલિકાઓમાં તથા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સોમવારે મોટા ભાગની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. 5 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં 4 પાલિકાઓમાં પ્રમુખપદ મહિલાના શિરે રહ્યું હતુ. જેમાં અમરેલી, બાબરા, સવારકુંડલા અને દામનગર નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવાયા હતા. અમરેલી નગરપાલિકામાં 3 મહિલાઓને સ્થાન મળ્યું છે. પ્રમુખ તરીકે મનીષા રામાણી, ઉપ પ્રમુખ તરીકે રમા મહેતા અને પક્ષના નેતા તરીકે બીના વણજારાની નિમણૂક કરાઈ હતી. જયારે દામનગરમાં પ્રમુખ તરીકે ચાંદની નારોલા, ઉપપ્રમુખ તરીકે ગોબર નારોલાની વરણી કરવામાં આવી હતી. બાબરામાં પ્રમુખ તરીકે રેખા આંબલીયા અને ઉપપ્રમુખ તરીકે આશા તેરૈયાના નામની જાહેરાત થઈ હતી. જયારે સવારકુંડલામાં પ્રમુખ તરીકે તૃપ્તિ દોષી અને ઉપપ્રમુખ તરીકે જયસુખ નાકરાણીની પસંદગી કરાઈ હતી.
બગસરામાં પ્રમુખ તરીકે ઇન્દુકુમાર ખીમસૂરીયા અને ઉપપ્રમુખ તરીકે રાજુ ગોડાના નામની જાહેરાત કરાઈ હતી. આ દરમિયાન ભાજપના ગઢમાં VPPએ ગાબડુ પાડયું હતુ. આ સાથે ભાજપમાં સોંપો પડી ગયો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સાંભળ્યું હતુ. ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રાવલ પાલિકાના પ્રમુખપદે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના મનોજ જાદવ અને ઉપપ્રમુખ પદે લીલુ સોલંકી ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં ભાજપના પ્રમુખ પદના દાવેદાર જશાઇ જમોદને 8 મત મળ્યા હતા અને ઉપપ્રમુખ પદના દાવેદાર લીલુ ગામીને 8 મત મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ચાર સભ્યોએ પણ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવારને મત આપતા ભાજપની દરખાસ્ત પરાસ્ત થઈ હતી. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ત્યાની સ્થાનિક લોકોએ બનાવેલી પાર્ટી છે. તેથી નવા નિશાળિયાઓને મેદાન મારી જતાં ભાજપ છાવણી સ્તબ્ધ થઈ ગઈ હતી.