પશ્ચિમ બંગાળમાં એક તરફ ટીએમસી અને ભાજપ દ્વારા ચૂંટણીજંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ટીએમસી છોડીને નારાજ નેતા કાર્યકરો ભાજપમા જોડાયા છે. ત્યારે ભાજપમાં પણ ટીકીટ ફાળવણી મુદ્દે અસંતોષ બહાર આવી રહ્યો છે. શુક્રવારે માલદામાં નારાજ ભાજપ કાર્યકરોએ મનપસંદ ઉમેદવારને ટીકીટ ન મળવા મુદ્દે તોફાન મચાવી દીધુ હતુ. આ દરમિયાન બીજેપી ઓફિસમાં પણ તોડફોડ કરાઈ હતી. ઘટના બાદ તોફાન અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભાજપના જ કાર્યકરો હંગામો મચાવતા, સૂત્રોચ્ચાર કરતા નજરે પડતા હતા. માલદા પાર્ટી ઑફિસમાં તોડફોડ કરતા નજરે પડે છે.
જો કે, આ જ પ્રકારના દ્રશ્યો બંગાળના અનેક વિસ્તારમાં જોવા મળ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ જલપાઇગુરી, ઉત્તર 24 પરગણા અને પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભાજપના કાર્યકરોએ મોટાપાયે તોફાન મચાવ્યું હતુ. આ તમામ જગ્યાએ ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને લઈને કકળાટ ઉભો થયો છે. ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે ભાજપે 148ની યાદી જાહેર કરી હતી. જે પહેલા 112 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા હતા. થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાની હેઠળ ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં રાજ્ય વિધાનસભા બેઠકોના નામની ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ હરિશ્ચંદ્રપુરથી મોહમ્મદ મતિઉર રહેમાન, સાગરદીઠથી મફુજા ખાતૂન, ભગવાન ગોલાથી મહેબૂબ આલમ, રાણીગરથી મસુહરા ખાતૂન, સુજરપુરથી એડ્વોકેટ એસ.કે. જિયાઉદ્દીન, ડોમકલથી રૂબિયા ખાતૂનને ટિકિટ આપી છે.
અત્યાર સુધીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટર્જી, સ્વપન દાસગુપ્તા અને નિસિથ પ્રમાણિક સહિત ચાર સાંસદોને ટીકીટ અપાઈ હતી. સાથે જ અલીપુરદૂર વિધાનસભા બેઠક પરથી ભાજપે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અશોક લાહિરીને ટીકીટ આપી હતી. આ ઉપરાંત ભાજપે યશદાસ ગુપ્તા, તનુશ્રી ચક્રવર્તી, પાયલ સરકાર, અંજના બસુ અને હીરા ચેટર્જી જેવા અનેક કલાકારોની ભાજપ તરફથી ચૂંટણી લડાવવા માટે પસંદગી કરી છે. બંગાળના અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા ઘણા કાર્યકરોને ટીકીટ આપતા પાર્ટીમાં ઠેર ઠેર અસંતોષ ભભૂકી ઉઠ્યો છે.