370ની કલમ રદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. જયારે ગ્રુપકાર જૂથ સૌથી મોટું સંગઠન બનીને બહાર આવ્યું છે.
પરિષદની 280 સીટો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયા બાદ મંગળવારે મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર આપવા કાશ્મીરની 7 પાર્ટીઓએ ગુપકાર ગઠબંધન બનાવ્યું હોય, મુકાબલો રસપ્રદ રહ્યો હતો. ગુપકાર ગઠબંધનમાં નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, પીપલ્સ કૉન્ફરન્સ, અવામી નેશનલ કૉન્ફરન્સ, J&K પીપલ્સ મૂવમેન્ટની સાથે સીપીઆઈ અને સીપીએમ સામેલ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 8 તબક્કામાં થયેલી ચૂંટણીમાં 450થી વધારે મહિલા ઉમેદવારો સહિત કુલ 2178 ઉમેદવારે દાવેદારી કરી હતી.
જેમાં મંગળવારે મોડી રાત સુધીમાં 65 સીટો પર જીત નોંધાવી ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી છે. જયારે ગુપકાર ગઠબંધન પરિણામમાં આગળ રહ્યું હતુ. મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાં ભાજપે એક સીટ જીતીને રેકૉર્ડ નોંધાવ્યો હતો. જયાં ઉમેદવાર એજાઝ હુસૈને વિજય મેળવ્યા કહ્યું હતુ કે, “અમે ગુપકાર ગઠબંધન સામે લડાઈ લડી અને બીજેપી આજે શ્રીનગરમાં જીતી છે.
શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાવા બદલ હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સુરક્ષાદળોને અભિનંદન પાઠવું છે.” ચુંટણીમાં પાર્ટીના સારા દેખાવથી ભાજપમાં આનંદ છવાયો હતો. રામમાધવને હુસૈનને જીતના અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, જલદી વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી. હવે જમ્મુ-કાશ્મીરનો વિકાસ ઝડપી થવાની આશા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના અને પ્રદેશના કામો કરશે.