સંસદમાં મોદી સરકારે બહુમતિના જોરે પસાર કરેલા કૃષિ કાયદાથી ઉઠેલો વિવાદ હજી સમ્યો નથી. ઉત્તરપ્રદેસ, દિલ્હી, પંજાબ, બિહાર, ચંડીગઢ અને હરિયાણા જેવા રાજ્યોમાં આ કૃષિ કાયદાનો આજે પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ સરકારે આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે. તેથી ભાજપને આગામી ચૂંટણીમાં આ રાજ્યોમાં મોટો ફટકો પડવાનો વર્તારો છે. તાજેતરમાં થયેલા સરવેમાં નીકળેલા તારણો તે વાતની પ્રતીતી કરાવી રહ્યા છે. પંજાબમાં AAPને અને ઉત્તરાખંડમાં કૉંગ્રેસને ફાયદો થવાની શક્યતા છે. પંજાબમાં ખેડૂત આંદોલનની ભારે અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં દેખાશે. સરવેના તારણો મુજબ આગામી સમયમા બીજેપી જ નહીં પરંતુ અત્યાર સુધી તેની સહયોગી રહેલી શિરોમણી અકાલી દળને ચૂંટણીમાં મોટુ નુકસાન થનાર છે. જો કે, પંજાબમાં તેનો ફાયદો કૉંગ્રેસ લઈ શકશે નહીં. કારણ કે મોટાભાગના લોકોએ આ મુદ્દે આમ આદમી પાર્ટીને સાથ આપની તરફેણ કરી છે.
ખેડૂત આંદોલનનો ફાયદો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી થાય તેવા સંકેતો છે. જો કે, છેલ્લીં ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં સારો દેખાવ કર્યો હતો. દરમિયાન શુક્રવારે પંજાબમાં એક ન્યૂઝ ચેનલે કરેલા સર્વેમાં કોંગ્રેસને વિધાનસભાની 31 બેઠકો ગુમાવવી પડે તેવો અભિપ્રાય લોકોએ વ્યક્ત કર્યો હતો. સી-વોટરના સર્વે પ્રમાણે કૃષિ કાયદાને લઇને આંદોલનથી અકાલી દળને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ ફાયદો પણ થવાની સંભાવના છે. સર્વે અનુસાર અકાલીને 15 સીટો મળી શકે છે. જયારે બીજેપીને એક સીટનું નુકસાન થઈ શકે છે. ઉત્તરાખંડમાં બીજેપીની મુશ્કેલીઓ વધી શકે છે. સી-વોટરના સર્વેમાં મુખ્યમંત્રી ચહેરો બદલવા છતા પણ રાજ્યમાં બીજેપીને ફાયદો થવાની શકયતા નથી.
54 ટકા લોકોએ એક વર્ષમાં તીરથ સિંહ રાવત સારો વહીવટ નહીં કરી શકે તેવો મત વ્યક્ત કર્યો છે. ઉત્તરાખંડની 70 વિધાનસભા સીટોમાંથી કૉંગ્રેસને સૌથી વધારે 32થી 38 સીટો મળી શકે છે, જ્યારે સત્તારૂઢ બીજેપીને 24થી 30 સીટ મળવાની શકયતા છે.
ગત ચૂંટણીમાં 77 બેઠક પર વિજેતા થઈને પંજાબમાં સત્તા હાંસલ કરનારી કોંગ્રેસને હવે 46 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે. જયારે આમ આદમી પાર્ટીને 34 બેઠકોનો ફાયદો થતાં તેની કુલ બેઠકો 54 થઈ જાય તેવી શકયતા છે. ગત ચૂંટણીમાં આપને ફક્ત 20 સીટ મળી હતી. સરવેમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધ્યાનું બહાર આવ્યું છે. બીજેપી અને શિરોમણી અકાલી દળના ગઠબંધનને ગત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 18 સીટ મળી હતી. આ વખતે બંને પાર્ટીઓમાં કૃષિ કાયદાને લઇને મતભેદ થયો છે. અકાલી દળની કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે રાજીનામું આપ્યું હતુ. જે બાદ અકાલી ગઠબંધનથી અલગ થઈ ગયું છે.