ભારતમાં પાંચ મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનમાં સતત વાતચીતનો રાગ આલાપતી મોદી સરકાર અત્યાર સુધી કૃષિ કાયદાના વિવાદનો ઉકેલ લાવી શકી નથી. પરિણામે ઉત્તરભારત, પંજાબ, દિલ્હી, હરિયાણા અને યુપીમાં તેને જનાધાર ઘટે તેવી સંભાવના છે. પંજાબમાં ચાર દિવસ પહેલાં જ યોજાયેલી આઠ મોટા નગરોની ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળનો સફાયો થઈ ગયો છે. હવે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભાજપને જબરદસ્ત ફટકો પડવાનો વર્તારો એક સરવેમાં બહાર આવ્યો છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલનની વ્યાપક અસર વર્તાય રહી છે.
અહીં ખેડૂતો મોદી સરકારે બનાવેલા ત્રણ નવા કૃષિ કાયદાનો જ વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને તોડી પાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ ભાજપે એક સરવે કરાવ્યો છે. જેમાં જે તારણો આવ્યા છે તેનાથી ભાજપની ઉંઘ ઉડી ગઈ છે. કારણ કે લોકસભાની બેઠકના મત વિસ્તારમાં ભાજપને જાકારો મળવાની પ્રબળ શકયતા છે. ખેડૂત આંદોલન સામે જડતા દાખવવા બદલ મોદી સરકાર અને ખાસ કરીને ભાજપને ચૂંટણીમાં મોટાપાયે નુકસાન થશે તેવો અભિપ્રાય લોકોએ આપ્યો છે. ભાજપનો આ આંતરિક સર્વે હોય, જો ખાનગી એજન્સી દ્વારા સરવે થાય તો વધુ ભયંકર તારણો પણ બહાર આવે તેમ છે.
હાલ તો ભાજપના સરવેમાં ખેડૂત આંદોલનથી ભાજપને લોકસભામાં 40 બેઠકોનું નુકસાન થઈ શકે છે તેવું તારણ બહાર નીકળ્યું છે. સૌથી વધુ નુકસાન હરિયાણા અને પંજાબ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પડશે. રાકેશ ટીકૈત સહિતના નેતા કહી રહ્યા છે તેમ આ આંદોલન લાંબું ચાલે તો ભાજપને વધુ નુકસાન થવાની શકયતા છે. સરવેના તારણો જાણીને ભાજપની નેતાગીરી ચાર રાજ્યોમાં કૃષિ કાયદા અંગે આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરનાર છે. નડ્ડા-શાહે મંગળવારે સાંજે ભાજપના ચાર રાજ્યોના ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી હતી. ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રાજકુમાર ચહર, સાંસદ સત્યપાલસિંહ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સરકાર તરફી વાતાવરણ પ્રસ્થાપિત કરવા આદેશ કરાયા છે.