ભારતમાં કોરોનાકાળમાં બીજી લહેર બાદ કેટલાક દર્દીઓ મ્યુકોરમાઈકોસીસનો શિકાર બન્યા હતા. આ પ્રકારના કેસ હજી પણ છુટાછવાયા નોંધાઈ રહ્યા છે. મ્યૂકરમાઈકોસિસને કારણે ભારતમાં સેંકડો દર્દીઓની આંખ, દાંત કે જડબાં કાઢવા પડ્યા છે. તાજેતરમાં નાગપુર ખાતે 70 વર્ષના એક દર્દીના મોટા આંતરડાંમાં આ જીવલેણ ફંગસ જોવા મળી હતી. જેને કારણે ડૉક્ટરો ચિંતામાં મૂકાયા છે. જુન મહિનામાં આ દર્દીને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તેણે કોરોનાને માત આપ્યાના થોડા દિવસોમાં જ તે મ્યુકોરમાઈકોસીસનો શિકાર બન્યા હતા. જેને કારણે તે દર્દીની આંખ કાઢવા સુધીની નોબત આવી હતી. આંખના આપરેશન બાદ પણ આ દર્દીએ તેને સતત પેટમાં દુ:ખતું હોવાની ફરિયાદ કરી હતી. તે વખતે તેમની મ્યૂકરમાઈકોસિસની સારવાર પણ ચાલી રહી હતી. જેથી ડૉક્ટર્સે તેમની ખોપડી અને પેટના દુ:ખાવાના નિદાન માટે સિંગલ એનેસ્થેશિયામાં જ તપાસ કરી હતી. જોકે, તે વખતે લેપ્રોસ્કોપીમાં તેમને પેટમાં કંઈ અજૂગતું નહોતું દેખાયું. ત્યારપછી સર્જરી બાદ પણ દર્દી દુ:ખાવાની ફરિયાદ કરી રહ્યા હતા અને તેમનું પેટ ફુલવા લાગ્યું હતું. બે દિવસ બાદ ફરી તેમની લેપ્રોસ્કોપી કરાઈ તો મોટા આંતરડાંમાં છ ઈંચ જેટલા ભાગમાં બ્લેક ફંગસ દેખાઈ હતી. આ જોઈને તબીબો ચિંતામા મુકાયા હતા. તબીબી સુત્રોના જણાવ્યા મુજબ કોરોનામાંથી સાજા થયેલા દર્દીના આંતરડાંમાં બ્લેક ફંગસ દેખાઈ હોય તેવો ભારતમાં કદાચ આ પહેલો કિસ્સો છે. નાગપુરના ડૉ. પ્રશાંત રહાતે આ અંગે કહ્યું હતુ કે, પેશન્ટની એકથી વધુ વાર અલગ-અલગ હોસ્પિટલમાં કોલોનોસ્કોપી કરવામાં આવી હતી. જોકે, તેમાં કશું દેખાયુ ન હતુ. આમ છતાં દર્દી સતત પેટમાં દુખાવાની ફરિયાદ કરતો હતો તેથી દર્દીને જ્યારે તેમની હોસ્પિટલમાં લવાયા ત્યારે તેમના પર લેપ્રોસ્કોપી કરાઈ હતી.