અમેરિકાના ઉત્તરપૂર્વના ૧૪ રાજ્યો બરફના તોફાનને કારણે અતિપ્રભાવિત થયા છે. અહીં 2 ફુટ સુધીનો બરફ જામી ગયો છે. આવા વાતાવરણમાં ૧૩૦૦થી વધુ ફ્લાઇટ રદ કરવાની નોબત આવી છે. આ સાથે જ હજારો ઘરોમાં વીજળી ડુલ થઈ ગયાના અહેવાલો છે. બરફીલા તોફોનને કારણે દેશના 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે.
ન્યૂયોર્કથી વર્જિનિયા અને માઇને સુધીનાં રાજ્યોમાં બરફનાં તોફાનથી આફત ખડકી દીધી હતી. રાજ્યોના ગવર્નરોએ લોકોને ઘરોમાં રહેવા જણાવ્યું હતુ. વર્જિનિયામાં ૨૦૦ કાર અકસ્માત સહિત કુલ એક હજારથી પણ વધારે માર્ગ અકસ્માત નોંધાયા હતા. બુધવારે સાંજે અમેરિકામાં ભારે બરફ પડતા જ અમેરિકાના સમગ્ર પૂર્વ કિનારાનાં રાજ્યો બરફના ઢગલામાં ઢંકાઇ ગયાં હતાં. આવા પ્રતિકૂળ વાતાવરણમાં કાર અકસ્માતો ચાલુ થઈ ગયા હતા. જેમાં ૬ લોકોનાં મોત થયાં હતાં. સમગ્ર અમેરિકામાં સડકો પર હજારો માઇલ વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. દરમિયાન ૧૪ રાજ્યોને વિન્ટર સ્ટોર્મ ગેઇલ ત્રાટકવાની ચેતવણી પહેલેથી અપાઈ હતી. પેન્સિલ્વેનિયાની ક્લિન્ટન કાઉન્ટીમાં ઇન્ટરસ્ટેટ હાઇવે ૮૦ પર 12થી વધુ વાહનો વચ્ચે ટક્કર થતાં બે મોત નોંધાયા હતા.
જયારે નોર્થ કેરોલિનામાં એક અને વર્જિનિયામાં પણ એક મોત અકસ્માતને કારણે નોંધાયું હતું. ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું હતુ. ઉપરાંત વર્જિનિયામાં ૫૭,૨૦૦ મકાન અને ન્યૂજર્સીમાં ૧૧,૬૦૦ મકાનમાં વીજપુરવઠો ખોરવાયો હતો. બીજી બાજુ પેસિફિક સમુદ્રમાં આવેલા ટાપુ દેશ ફીજી તરફ વિનાશક વાવાઝોડું યાસા આગળ ધપી રહ્યાના અહેવાલથી એલર્ટ જારી કરાયું હતુ. ફીજીએ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. વાવાઝોડું યાસા સમગ્ર સાઉથ પેસિફિક દ્વીપસમૂહમાં ૨૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકે અને ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે. દરમિયાન નેશનલ વેધર ર્સિવસ દ્વારા જ્યોર્જિયાથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી વીજળી ગુલ થઈ શકે તેવી સુચના જારી કરાઈ હતી. સાથે જ આ રાજ્યોમાં શાળા બંધ રાખવા આદેશ અપાયો હતો. વધુમાં ટ્રેન ઓપરેટર એમટ્રેકને તેના રૂટમાં બદલવાની ફરજ પડી હતી.