વર્જિન ગેલેક્ટિકના માલિક અને દુનિયાના દિગ્ગજ અબજોપતિ રિચર્ડ બ્રેનસને 70 વર્ષની ઉંમરમાં અંતરિક્ષની સફર ખેડીને ઇતિહાસ રચ્યો છે. બ્રેનસન દુનિયામાં અંતરિક્ષની મુસાફરી કરનારા પહેલા ઉદ્યોગપતિ છે. આ સાથે જ મોટી ઉંમરે અંતરિક્ષ જનારા લોકોમાં તે પહેલા રહીને રેકોર્ડ કર્યો છે. જો કે, દુનિયાના સૌથી ધનિક અબજોપતિ જેફ બેજોસ સૌથી પહેલાં અંતરિક્ષમાં જવાનું સપનું સેવી રહ્યા હતા. પરંતુ રિચર્ડે તેમનું સપનું તોડી નાંખ્યું છે. આ બાબતથી હવે બેજોસની કંપની બ્લૂ ઓરિજિન ભડકી છે. હવે જૈફ બેજોસ પણ 20મી જુલાઇએ અંતરિક્ષની સફર કરવા જવાના છે.
ગત સપ્તાહે વર્જિન ગેલેક્ટિકના માલિક રિચર્ડ બ્રેનસ તેની કંપનીના પાંચ કર્મચારીઓ સાથે અંતરિક્ષની સફરે ગયા હતા. આ સમયે મૂળ ભારતીય સીરીષા બાંદલા પણ તેમની સાથે સફરે હતી. રિચર્ડ બ્રેનસન પરત ધરતી પર આવ્યા ત્યારે તેમની પત્ની અને બાળકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. પોતાની સફર અંગે રિચર્ડે કહ્યું હતુ કે, નાનપણથી જ તેમનું અંતરિક્ષમાં જવાનું સપનું હતું. જે ગત સપ્તાહે મેં મારી કંપનીના સાથી કર્મચારીઓ સાથે પુરુ કર્યું છે. વર્જિન ગેલેક્ટિકના કર્મચારીઓએ અને મેં વીએસએસ યુનિટી યાનથી 2,80,000 ફૂટની ઊંચાઇ સુધીનું અંતર કાપ્યું અને ધરતી પર હેમખેમ પરત ફર્યા છે. અંતરિક્ષમાંથી પૃથ્વી કેવી દેખાય છે તે માટે કોઇપણ વસ્તુ તમે તૈયાર કરી શકતા નથી. દરેક વસ્તુ સંપૂર્ણપણે જાદુઇ હતી. જો કે, રિચર્ડે પ્લેનમાંથી કેટલીક તસવીર લીધી હતી. તેમણે તેમની ટ્વીટમાં લખ્યું હતુ કે, સ્પેસ યુગની નવી સવારમાં તમારું સ્વાગત છે.
બીજી તરફ જૈફ બેજોસનું પહેલા અંતરિક્ષમાં જવાનું સપનું તૂટી જતાં તેમની કંપની બ્લુ ઓરિજિન રિચર્ડ બ્રેનસને પ્રતિક્રિયા આપી હતી. બ્લૂ ઓરિજિને કહ્યું હતુ કે રિચર્ડ બ્રેનસન તકનીકી રીતે પહેલાં એવા અબજોપતિ નથી જેમણે અંતરિક્ષની મુસાફરી કરી છે. વર્જિન ગેલેક્ટિકના સ્પેસ પ્લેનની ઉડાનને ‘અંતરિક્ષની ઉડાન’ માની શકાય તેમ નથી. કારણ કે, આ સફરમાં તેઓએ કારમાન લાઇનને પસાર કરી નથી. ઓરિજિનનો દાવો છે કે આ સફરમાં અંતરિક્ષની યોગ્ય સીમા રેખા સુધી પ્રવાસ ખેડાયો નથી. જૈફ બેજોસનું સ્પેસ શિપ ન્યૂ શેફર્ડ ધરતીથી 100 કિલોમીટરની ઊંચાઇ સુધી જશે. ન્યૂ શેફર્ડ રોકેટ કારમાન લાઇનની ઉપર જવા માટે ડિઝાઇન કરાયું છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, ધરતીથી 100 કિમીની ઊંચાઇથી અંતરિક્ષની શરૃઆત થાય છે. જો કે, બ્રેનસને ન્યૂ મેક્સિકોના રણથી 89 કિલોમીટરની જ યાત્રા કરી છે.