કોરોનાને કારણે સર્વત્ર ફરી ભયનો માહોલ ઉભો થયો છે. તેથી પરીક્ષાઓ યોજાવા અંગે અવઢવની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બૉર્ડની પરીક્ષાઓ નહીં નહી લેવાય તેવી જાહેરાત સાથે જ બૉર્ડની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. વાલીઓ મે મહિના દરમિયાન બોર્ડ પરીક્ષાઓ યોજવાની માંગ કરી રહ્યા છે.
મંગળવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતુ કે, પરીક્ષાઓ માર્ચમાં જ આયોજિત કરાય તે જરૃરી નથી. જયારે મંગળવારે તેમણે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પદ્ધતિના આધારે તૈયાર કરવા માટે પૂરતો સમય મળવો જ જોઈએ. અત્યારની સ્થિતિમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં પરીક્ષાઓ યોજવી સંભવ નથી. તેથી અમો અને સમગ્ર વિભાગ પરીક્ષા યોજવા માટે માર્ચ માસની પસંદગી તરફ વિચારણા કરી રહ્યા છે. આ અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં જ કરાશે. અને પરીક્ષાનો કાર્યક્રમ જલદી જાહેર કરી દેવામાં આવશે.
મંત્રીએ અગાઉ પણ કહ્યું હતુ કે, બૉર્ડની પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને પુરતો સમય અપાશે. કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષાની તારીખો નક્કી કરાશે. પ્રેક્ટિકલ્સ કે પ્રવેશ પરીક્ષા વિશે પણ વિચારણા ચાલી રહી છે. સીબીએસઇએ 2021ની બોર્ડ પરીક્ષા માટે તેનો 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દીધો છે. ફેઈલ શબ્દ આ વર્ષે કોઈ પણ માર્કશીટમાં જોવા નહીં મળે. સીબીએસઈની પરીક્ષાઓ ઑનલાઇન રહેશે નહીં. 2021માં યોજાનારી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પહેલાની જેમ પેપર-પેનનો ઉપયોગ કરવાનો રહેશે. બીજી તરફ સીબીએસઇએ બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન કરાવવાની કોઈ દરખાસ્ત ન હોવાની સ્પષ્ટતા કરી છે. સાથે જ આ પરીક્ષાઓ લેખિતમાં જ લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ. જો કે તેની તારીખ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.