ગુજરાત એટીએસએ સુરતના મોટા વરાછામાં રેડ કરીને નકલી વિઝા-પાસપોર્ટ બનાવીને લોકોને વિદેશ મોકલનાર શખ્સને દબોચી લીધો હતો. આરોપીની પુછપરછમાં તે પોતે 25 વખત ગેરકાયદે બાંગ્લાદેશ જઈ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપી પાસેથી 9 દેશના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. આ શખ્સ સોશીયલ મીડિયા પર ગ્રાહકોને તેના એરપોર્ટ પર સેટીંગ હોવાની લાલચ આપી રહ્યો હતો.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાદવત ફળિયામાં રહેતો મોહમ્મદ ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમ બોગસ પાસપોર્ટ થકી લોકોને વિદેશ મોકલવાનો વેપલો કરી રહ્યો છે. આ વેપલામાં તે ગ્રાહકો પાસેથી અઢળક નાણા વસૂલી રહ્યો છે. બાતમીને આધારે એટીએસના PI સી.આર.જાદવ અને PSI વી.વી.ભોલાએ મોહમ્મદ ઇરફાનના ઘરે દરોડા પાડ્યા હતા. આ સમયે તેના ઘરેથી નેપાળ, આર્મેનિયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરુ તથા નાઇજીરિયાના નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ઇરફાને થાણે, મુંબઈ, દિલ્હી સહિતની વિવિધ પાસપોર્ટ ઓફિસેથી બોગસ પાસપોર્ટ મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતુ. આરોપીએ પૂtછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાની યોજના ધરાવતો હતો. જો કે, બે યુવતી કેનેડા પહોંચે તે પહેલાં જ તે પકડાઈ ગયો છે. એટીએસે હવે સુરતની બે યુવતીની શોધખોળ ચાલુ કરી છે.
સમગ્ર કેસ અંગે એટીએસે કહ્યું હતુ કે, મહોમ્મદ ઈરફાન લોકોને ફસાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં તેએરપોર્ટ પર તેનું સેટિંગ હોવાનું અને અત્યાર સુધીમાં તેણે પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા હોવાનું કહેતો હતો. એડવર્ટાઈઝિંગ સાઇટ પર તેણે અશ્લીલ પોસ્ટ પણ મુકી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, જે મહિલા સ્વચ્છંદી હોય, દારૂ પીવાની ટેવ હોય, વિદેશોમાં તેની સાથે ફરે અને તેની સાથે શરીર સંબંધ બાંધી શકે એવી મહિલાને તે વિદેશ લઈ જશે. આ પ્રવાસનો તમામ ખર્ચ તે પોતે ભોગવશે. આમ આરોપીનું ચારિત્ર્ય પણ વિવાદાસ્પદ છે. હાલ તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. એટીએસ હવે આ આરોપીના દેશદ્રોહી તત્ત્વો સાથે કનેક્શન છે કે નહીં તે દીશામાં તપાસ કરી રહી છે.