ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું કૌશલ્ય બતાવીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરાહના કરી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અલગ-અલગ ખેલાડીઓનો સંપર્ક કરીને ખેલાડીઓના જીવન સફરની વાતો જાણી હતી. આ દરમિયાન દુનિયાની નંબર 1 તીરંદાજ દીપિકા કુમારીનો સંપર્ક પણ મોદીએ કર્યો હતો. જે બાદ દીપીકાકુમારીની વાતો સાંભળી પીએમ ખુદ આશ્ચર્યમાં મુકાયા હતા. થોડા દિવસો પહેલાં પેરિસમાં યોજાયેલા વર્લ્ડ કપમાં તીરંદાજી સ્પર્ધામાં દીપીકાકુમારીએ 3 ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતુ. હવે ઓલિમ્પિક મેડલ પર તેની નજર છે. અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તે એકમાત્ર મહિલા તીરંદાજ છે.
2012માં ફક્ત 18 વર્ષની ઉંમરે તેણીએ ઓલિમ્પિકમાં ભાગ લઈ પહેલી વખત દુનિયાની નંબર વન બની હતી. 27 વર્ષની દીપિકાનો જન્મ ઝારખંડના એક ગરીબ પરિવારમાં થયો હતો. પિતા શિવ નારાયણ મહંતો ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયારે તેની માતા મેડિકલ કોલેજમાં ગ્રૃપ ડીની કર્મચારી હતા. દીપિકાનો જન્મ એક રિક્ષામાં થયો હતો. કેમ કે તેની માતા તે સમયે હોસ્પિટલ સુધી પહોંચી શકી ન હતી. દીપીકા કુમારી જે એકેડેમીમાં તાલીમ રહી હતી ત્યાં બાથરૂમ સુદ્ધા ન હતું. નહાવા માટે પણ નદી સુધી જવું પડતું હતું. રાત્રે વોશરૂમ માટે બહાર નીકળી શકાતું ન હતું. કારણ કે, જંગલી હાથીનો ભય રહેતો હતો. આવી પરિસ્થિતિઓમાં પણ દીપિકાએ આગળ વધી વર્લ્ડ કપ કોમ્પિટિશનમાં ભાગ લઈ અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
પીએમ મોદીએ દીપીકાકુમારી સાથે વાતચીત કર્યા બાદ તેણીએ કહ્યું હતુ કે, દરેક સ્પર્ધકને ગોલ્ડ મેડલ જીતવાની આશા હોય છે. હજી પણ દેશને મારા માટે વિશ્વાસ છે કે, તે આગળ ધપશે અને તીરંદાજમાં નામ રોશન કરશે. બીજી તરફ પીએમ મોદીએ તેને કહ્યું કે, હાલમાં જ તેણીએ તીરંદાજમાં ચમત્કાર સર્જ્યો છે. જેને કારણે સમગ્ર દેશમાં દીપીકાકુમારીની ચર્ચા થઈ રહી છે. મોદીએ દીપીકાકુમારીને કહ્યું હતુ કે, તમે નંબર વન બન્યા છો. તમારી યાત્રા ખુબ જ સ્પેશિયલ રહી છે. જેના જવાબમાં દીપિકાએ કહ્યું કે, મારી સફર શરૂઆતથી જ સારી રહી છે. મેં વાંસના ધનુષ્ય સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારેબાદ આધુનિક ધનુષ્યનો ઉપયોગ કર્યો અને આજે આ મુકામ સુધી પહોંચી છે.