હાલ ગુજરાતમાં ચૂંટણી પહેલા એક પછી એક આંદોલનો ચાલી રહ્યા છે. એક આંદોલન માંડ સમેટાય ત્યાં બીજું આંદોલન સરકાર સામે તૈયાર હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. હવે રખડતાં ઢોરો માટેનું બિલ વિધાનસભામાં પસાર થયું છે જે હવે આગામી સમયમાં અમલમાં પણ આવી જશે એવી સંભાવના છે. આ બિલના વિરોધમાં રાજ્યના માલધારી સમાજના આગેવાનો મેદાને પડ્યા છે અને મોટા પાયે આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરી તેમની જ આગેવાની હેઠળ હવે ગાંધીનગરમાં 5 લાખ જેટલા માલધારીઓ ભેગા કરી સરકારના બિલનો પુરજોશથી વિરોધ કરીશું. ત્યારે વિરોધનો વંટોળ જોતાં ભાજપનુંસંગઠન હવે એક્ટિવ થયું છે.
રખડતા પશુ નિયંત્રણ કાયદાના વિરોધ અને તેની યોગ્ય રજૂઆત કરવા માલધારી સમાજના આગેવાનો સમગ્ર હકીકત અને વ્યવવસ્થાની રજૂઆત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી પહોંચાડી છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે સમગ્ર બિલ મામલે CMને રજૂઆત કરવામાં આવી છે. લાખો માલધારી માટે આ નિવેદન રાહતના સમાચાર બની શકે કારણ કે સી.આર.પાટીલે CMને રજૂઆત કરવાની ખાતરી આપ્યા બાદ હવે કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે મને પણ લાગે છે કે મહાનગર પાલિકામાં જે ઢોર નિયંત્રણ માટે જે જોગવાઈ છે તે હાલ પૂરતી છે. મારી પાસે માલધારી સમાજના આગેવાનો આવ્યા હતા. વોટ્સએપથી પણ ઘણી વિનંતી કરી હતી. આજે સાંજે પણ માલધારી સમાજના આગેવાનો અને સાધુ સંતો મળવા આવવાના છે. મુખ્યમંત્રીને પણ વડોદરા જતી વખતે મેં કહ્યું હતું કે આપણે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. જ્યારે કોઈ સમાજ પહેલાથી બનાવેલા કાયદાને અનુસરવા તૈયાર હોય ત્યારે મને તે સમાજની રજૂઆતો યોગ્ય લાગી છે.