ગુજરાતના ભુજના ખાડી વિસ્તારમાં BSFએ 7 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી છે. BSF ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરી 2022 ના રોજ લગભગ 12 વાગ્યે, BSF ભુજ દ્વારા સામાન્ય વિસ્તાર હરામી નાળામાં 07 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી. સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
તાજેતરમાં ભુજના હરામી નાળા વિસ્તારમાં BSFએ છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. આના એક દિવસ પહેલા BSFએ હરામી નાલા વિસ્તારમાં માછીમારોની ઘૂસણખોરીની વાત કરી હતી. 9 ફેબ્રુઆરીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સને પાકિસ્તાની બોટ અને માછીમારોની ઘૂસણખોરીની માહિતી મળી હતી. આના થોડા દિવસો પહેલા પણ BSFએ એક પાકિસ્તાની માછીમારને પકડીને ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી.
અરબી સમુદ્રમાં દરિયાઈ સીમાનું કોઈ સ્પષ્ટ સીમાંકન નથી. આવી સ્થિતિમાં માછીમારો અવારનવાર અન્ય દેશોની સરહદમાં ઘૂસી જાય છે. એ જ રીતે, તાજેતરના કિસ્સામાં, કેટલાક પાકિસ્તાની માછીમારો ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. તાજેતરમાં, પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓએ ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં એક માછીમારી બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો.
ગુજરાત સરકારે માર્ચ 2021માં વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્યના 345 માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેમાંથી 248 માછીમારો છેલ્લા બે વર્ષમાં પકડાયા છે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ તેમના લેખિત જવાબમાં આ વાત કહી હતી. મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2020 સુધી ગુજરાતના 345 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો ઝડપાયા છે. વર્ષ 2019માં 85 અને વર્ષ 2020માં 163 માછીમારો ઝડપાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી વારંવાર ગુજરાતના માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા ઓળંગે ત્યારે પકડે છે. ફેબ્રુઆરી 2021માં પણ પાકિસ્તાને 17 ભારતીય માછીમારોની કથિત રીતે દેશના જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી.