મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ વચ્ચેનો હાઈસ્પીડ રેલ પ્રોજેકટ કામગીરીની શરૃઆત સાથે જ વિવાદમાં સપડાતો રહ્યો છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. ત્યાં હવે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતા ગજગ્રાહની અસર તેના પર પડે તેમ જણાય રહ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને નવો એક વિવાદ બહાર આવ્યો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને બુલેટ ટ્રેન માટે સંપાદીત થનારી 2000 હેક્ટર જમીનના વળતર માટેનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. જેને કારણે આ યોજનામાં મોટુ વિઘ્ન આવ્યું છે.
થાણેની આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ફરીવાર ભારતીય જનતા પાર્ટી અને શિવસેના સામસામે આવી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાનું શાસન છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર કોઈ પણ વિઘ્ન વિના ચાલી રહી છે. તેથી સત્તાથી દૂર થયેલા ભાજપને હવે વસવસો થવા માંડ્યો છે. બીજી તરફ શિવસેના પણ ભાજપે વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુકતા વારંવાર તેના પર પ્રહારો કરતી રહી છે. આ જ કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર ચાલનારી બુલેટ ટ્રેનની જમીનને લઈને અહીં વળતરનો પ્રસ્તાવ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ફગાવી દીધો હોવાનું કહેવાય છે. અત્યાર સુધી પ્રસ્તાવ રોકવાની ઘટના ચાર વાર બની ચુકી છે. નિયમ અનુસાર આગામી ત્રણ મહિના સુધી ફરી આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં. આ પ્રસ્તાવ ફગાવ્યાં બાદ હવે BJP અકળાઈ ઉઠી છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા રામ કદમે કહ્યું હતુ કે, શિવસેના વિકાસના કામોમાં અવરોધ ઉભો કરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી રાજ્ય સરકાર, તમામ સંસ્થાનોમાં શિવસેના વિકાસ વિરોધી નીતિ અપનાવી રહી છે. શિવસેનાની આ નીતિથી વિકાસ કામોને અસર થશે. પ્રજાની સુવિધા માટે થનારા કામમાં રાજનીતિ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં આરેના જંગલો પાસેથી મેટ્રો શેડ પ્રોજેક્ટ હટાવીને બીજી જગ્યાએ લઈ જવામાં માંગે છે, પરંતુ BJP તેનો વિરોધ કરી રહ્યો છે. રાજ્ય સરકારે તે માટે નવા સ્થળ પસંદ કર્યા હતા, જો કે, કેન્દ્રએ આ બાબતને પોતાનો અધિકાર ગણાવતા બંને પક્ષે ગજગ્રાહ ચાલી રહ્યો છે.