બે દાયકાથી દુનિયામાં માનવજાતમાં તેની જીવન શૈલીને કારણે વિવિધ રોગનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હવે લોકોનું આયુષ્ય ઘટી ગયું છે. તાજેતરમાં થયેલા એક સંશોધન બાદ મનુષ્યની ઉંમરમાં વધારો થવાનો દાવો કરાયો છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોએ કરેલા દાવા પ્રમાણે સદીના અંત સુધીમાં મનુષ્ય 130 વર્ષ સુધી જીવી શકશે. આવનારા દિવસોમાં માનવીનું આયુષ્ય વધશે. અને સદીના અંત સુધીમાં મનુષ્ય 125થી 130 વર્ષ સુધી જીવવા સક્ષમ બનશે. વૈજ્ઞાનિકોએ સંશોધનમાં 100 વર્ષથી વધુ ઉંમરના સુપર સેન્ટેરિયન લોકોને શામેલ કર્યા છે. સંશોધન દરમિયાન, કેનેડા, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન દેશોના સુપર સેન્ટેનિયરોનો પર નજર રાખવામાં આવી હતી.
આ સંશોધન સાથે સંકળાયેલા માઇકલ પિયર્સના જણાવ્યા પ્રમાણે સ્વસ્થ આહાર, શુધ્ધ પાણી અને આરોગ્ય પ્રત્યેનું ધ્યાન લાંબા સમય સુધી જીવવા માટે જરૂરી છે. દુનિયાભરના લગભગ 10 લાખ લોકોએ 100 વર્ષની આયુ વટાવી દીધી છે. 600 લોકો 110 અથવા 120 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. સંશોધકોએ મનુષ્યની સરેરાશ ઉંમર શોધવા માટે દીર્ધાયુ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડેટાબેસને આધાર ગણી તેનો સંશોધનમાં ઉપયોગ કર્યો હતો. આ ડેટા જર્મનીની મેક્સ પ્લૈન્ક સંસ્થામાંથી લેવામાં આવ્યા છે. હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું બિરુદ જાપાનની કેન તનાકા છે. 118 વર્ષની ઉંમર ધરાવતી આ મહિલાનુ નામ હાલ દુનિયાની સૌથી મોટી ઉંમરની વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં લખાયું છે.