ગુજરાતમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સુરતના મહેશ સવાણીએ ભાજપ અધ્યક્ષ સામેની નારાજગી મીડિયા સમક્ષ જાહેર કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, કોરોનાકાળમાં સૌરાષ્ટ્રમાં તેમજ રાજ્યના અન્ય વિસ્તારમાં ભાજપ સરકાર સારી કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ છે. જેને લઈને જબરદસ્ત લોકરોષ છે. સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણકાળ દરમિયાન રાજ્ય સરકારની જે નીતિઓ હતી. એને કારણે ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. એ દરમિયાન સેવા ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રમાં વિવિધ સુવિધા માટે આયોજન થઈ રહ્યું હતું. સુરતથી 300 જેટલી ગાડી સૌરાષ્ટ્ર રવાના થતી હતી, ત્યારે તેમને લીલીઝંડી બતાવવા માટે મેં સી.આર.પાટીલને ફોન કર્યો હતો. આ સમયે તેમણે મને એક રાજકીય નેતા તરીકે ખૂબ જ ખરાબ જવાબ આપ્યો હતો, જે ખૂબ જ આઘાતજનક છે. મહેશ સવાણીને સીઆર પાટીલે કહ્યું હતું કે તમે આમઆદમી પાર્ટીનાં સેન્ટરમાં મદદરૂપ થઇ રહ્યા છો. આપની કામગીરીને તમે વધારે મજબૂત બનાવી રહ્યા છો. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન પણ તમે આમઆદમી પાર્ટીને ફંડ આપ્યું છે. તેથી એવા વિસ્તારમાં હું લીલીઝંડી બતાવવા નહીં આવીશ. કદાચ એવું લાગ્યું હશે કે અમે આમઆદમી પાર્ટીને ફંડ આપ્યું છે, પરંતુ સાચી હકીકત એ છે કે મેં આપને ફંડ પણ નહોતું આપ્યું અને કોઈપણ રીતે મદદ કરી ન હતી.
આમ છતાં પણ મારી સામે સી આર પાટીલ દ્વારા ખોટો આક્ષેપ કરાયો હતો. કોઈપણ જાતના પુરાવા વગર ખોટા પર પાટીલે આરોપો મુકી દીધા હતા. આ ઘટના બાદ મને એવું લાગે છે કે તેમણે ક્યારેય પણ મને પોતાનો માન્યો જ નથી. સૌથી મોટી સરકારની નિષ્ફળતા અંગે સવાણીએ કહ્યું હતું કે ધોરણ ચાર ભણેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જેવાને આરોગ્યમંત્રી બનાવી દેવાયા હતા. જેઓ કોરોનાકાળમાં લોકોને કોઈ રીતે મદદરૂપ થઇ શક્યા નથી. જય નારાયણ વ્યાસ જેવા સક્ષમ વ્યક્તિ આરોગ્યમંત્રી તરીકે શોભે છે. જે આરોગ્ય મંત્રી એવું કહેતો હોય કે હું પોતે ઇન્જેક્શન શોધી રહ્યો છે તો તેમની પાસે પ્રજા શું અપેક્ષા રાખી શકે. કાનાણીના ઘરની આસપાસના લોકો પણ ઈન્જેક્શન માટે રઝળ્યા હતા. સૌરાષ્ટ્રથી સુરતમાં આવેલા તેમના વિસ્તારના લોકોને તેઓ સમયસર ઓક્સિજન અને ઇન્જેક્શન પણ અપાવી શકતા ન હતાં. સૌરાષ્ટ્રના પહેલા જ રાજકીય પ્રવાસ દરમિયાન થયેલા હુમલા અંગે મહેશ સવાણીએ મીડિયાને કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર વખતે સેવા ફાઉન્ડેશન દ્વારા વતનની વહારે નામનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મારા અને આપના કાર્યકરો પર પથ્થરથી હુમલો કરાયો હતો. આ પથ્થરોને અમે સાચવી રાખ્યા છે. ભવિષ્યમાં અમે તેનાથી સ્મારક બનાવીશું.