ભારતમાં વધી રહેલા કોરોનાને કેર વચ્ચે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામે અપાતી બે રસી મુકાવવાથી કાયમ માટે સંક્રમણથી બચી શકાશે નહી તેવો મત કેટલાક નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. જો કે, રસી લાંબા સમય સુધી તમને કોરોના સામે રક્ષણ આપે છે તેવો દાવો જરૃર કર્યો હતો. શનિવારે આઇપીએસ એસોસિએશન તરફથી આયોજીત એક કાર્યક્રમમાં ઑલ ઇન્ડિયા ઇંસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે, કોવિડ-19ની રસી આંઠથી દસ મહિના સુધી સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષા આપવામાં સક્ષમ હોઇ શકે છે. રસીની કોઇ આડ અસર સામે આવી નથી.
કોવિડ-19ની રસી આંઠથી દસ મહિના અને કદાચ આથી પણ વધારે સમય સુધી સંક્રમણ સામે સુરક્ષા આપી શકે છે. ગુલેરિયાએ દેશણાં કોરોના કેસમાં ઉછાળાનું સૌથી મોટું કારણ લોકોની બેદરકારીને ગણાવી હતી. તેમણે કહ્યું હતુ કે, દેશના મોટાભાગના લોકો માને છે કે, મહામારી ખતમ થઇ ગઇ છે અને તેથી તેઓ કોવિડથી બચવાના નિયમોનું પાલન કરતા નથી. સંક્રમણમાં વૃદ્ધિના કારણો અનેક છે, પરંતુ મુખ્ય કારણ લોકોની બેદરકારી જ છે. વાસ્તવમાં કોરોનાની મહામારી હજી ચાલી રહી છે. તેથી કોવિડ 19મી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થવું જરૃરી છે. લોકોએ હજી પણ કામ વગરના પ્રવાસને સ્થગિત કરવો જોઇએ.’
હાલની કોરાના રસી કોવેક્સીન અને કોવિશીલ્ડ કેટલી અસરદાર છે, તે અંગે ગૂલેરિયાને મીડિયાએ સવાલ કર્યો હતો. જે સંદર્ભમાં તેમણે કહ્યું હતુ કે, ભારતમાં ઉપલબ્ધ બંન્ને રસી એંટીબોડીનું ઉત્પાદન કરે છે અને ખુબ જ મજબૂત છે. અસરકારકતા અને લાંબા ગાળાની સલામતીના સંદર્ભમાં આ બંન્ને રસી સમાન રૂપથી પ્રભાવી છે. દેશમાં અત્યાર સુધી ચાર કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન નીતિ આયોગના સદસ્ય વી.કે.પૉલે કહ્યું હતુ કે, સંક્રમણની કડીને રોકવી આવશ્યક છે. આ માટે રસીકરણ એક મોટો ઉપાય છે. સાથે જ રોકથામ અને મોનીટરીંગ વ્યૂહરચના પણ એટલા જ મહત્વના છે. કોવિડ-19ની માર્ગદર્શઇકાનું પાલન મોટી બાબત છે. નાગરિકો દ્વારા માર્ગદર્શિકાના થઈ રહેલા ઉલ્લંઘનને કારણે જ કોરોના વકરવા માંડયો છે. રસીકરણનો આ મુદ્દો સીમિત છે. દેશમાં તમામ લોકોને રસી આપવી શક્ય નથી. તેથી જ પ્રાથમિક જરૃરિયાતમંદોની યાદી બનાવીને રસી આપવામાં આવી રહી છે. સૌથી વધારે મૃત્યુદર વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. આ વયના લોકોએ રસી લેવામાં વાર લગાડવી ન જોઇએ.