ઉત્તરાયણ પહેલાં જ ગુજરાત સરકારને ગંભીરતા પૂર્વક નિર્ણયો લેવાની તાકીદ હાઈકોર્ટે કરી છે. મકરસંક્રાતિને અનુલક્ષીને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાતા કાર્યવાહી થઈ રહી છે. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, રાજ્યમાં મકરસંક્રાતિ એ મહત્વનો તહેવાર છે અને લોકો ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે. આ અંગે રાજ્ય સરકારે એસઓપી બહાર પાડવી જોઈએ. વધુમાં અરજદારે આ અરજી અંગે તાકીદે કાર્યવાહી કરવા કોર્ટમાં વિનંતી કરી હતી. જો કે, હાલ તો હાઈકોર્ટે સુનાવણી કરી નથી, પરંતુ અરજીમાં રજૂ કરાયેલી વાતને ગંભીરતાથી ધ્યાને લીધી છે.
હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતુ. હજી પણ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં મકરસંક્રાતિનો તહેવાર છે. તેથી ગંભીરતા પૂર્વક નિર્ણય કરજો. ગુરુવારે રાજય સરકારને તાકીદ કરતા હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતુ કે, તમો આકરા નિર્ણયો લેતા ખચકાટ ન કરશો. લોકો નિરાશ થાય તો પણ તેની ચિંતા કર્યા વગર જનસમૂહના હિતને ધ્યાને રાખીને જ પગલા ભરજો. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉલ્લાસ સાથે કરી શકે છે. વધુમાં હાઈકોર્ટે મકરસંક્રાતિના તહેવારને લઈને સરકાર શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને રિપોર્ટ કરવા પણ તાકીદ કરી હતી. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ મુકરર કરી છે. વધુમાં કોરોના અંગે થયેલી સુઓમોટો અરજી બાદ કોર્ટે નાઈટ કર્ફયૂને કારણે અમદાવાદમાં શું ફાયદો થયો તેનો અહેલવા સોંપવા પણ સરકારને તાકીદ કરી છે.