ગુજરાતમાં કોરોના સંકટ સાથે જ મ્યુકોરમાઈકોસીસની આફત આવી છે. અમદાવાદ બાદ હવે સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. બુધવારે જામનગરમાં મ્યૂકોર માઈકોસીસના વધુ બે દર્દી નોંધાતા શહેરમાં કુલ કેસનો આંકડો ૧૧૬ થઈ ગયો છે. જયારે દેવભૂમિ દ્વારકામા મ્યૂકરના ૧૬ કેસ નોંધાવા સાથે એક દર્દીનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યા બાદ મે મહિનાના પ્રથમ પખવાડિયા પછી તેનું જોર ધીમુ પડ્યું છે.
ત્યાં હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે દરરોજ નોંધાતા કોરોનાના કેસ કરતા મ્યુકોરમાઈકોસીસના કેસ વધુ આવી રહ્યા છે. ખાસ કરીને ડાયાબિટીસ અને પ્રેશરની બિમારી ધરાવતા લોકો કોરોનામાં સપડાયા બાદ સાજા થાય તે પછી દર્દીમાં મ્યુકોર. જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ રોગના વધી રહેલા કેસોથી ચિંતા ઉપજી રહી છે. રાજકોટ સિવિલમાં કોરોનાના ૩૦૦ જયારે મ્યૂકર માયકોસીસના ૬૦૦થી વધુ ઈનડોર પેશન્ટસ નોંધાયા હતા. જયારે હાલ રાજકોટ સિવિલમાં ૫૧૪ અને સમરસ કેર સેન્ટરમાં ૯૬ દર્દીઓની સારવાર થઈ રહી છે.
રાજકોટથી સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૨૩૦ સર્જરી કરાઈ છે. જયારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મંગળવારે મ્યુકરમાયકોસીસના નવા બે કેસ નોંધાતાં કુલ કેસની સંખ્યા ૧૧૬ થઈ હતી. દર્દીને બચાવવા માટે અહીં ડોક્ટરોએ પાંચ મેજર અને ૪ માઈનોર સર્જરી કરાતા અત્યાર સુધી ૪૯ ઓપરેશન થયા છે. બીજી તરફ દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતારીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં મ્યુકર માયકોસીસના ૧૬ કેસો નોંધાયા છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. ૧૫ દર્દીઓમા ખંભાળીયાના ૯, ભાણવડના ૪, કલ્યાણપુરના બે દર્દીઓ જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં ભાણવડ તાલુકાના પાસ્તર ગામના ૬૫ વર્ષના પ્રૌઢનું જામનગરમાં સારવાર દરમિયાન મોત થયું છે.