કોરોનાએ ઘણાના નસીબ ઉપર પાંદડું રાખી દીધું છે. પરંતુ એ પાંદડું પણ ક્યારે હટી જાય તેની કોઇને ખબર નથી. હાલમાં કોરોનાને કારણે ભીડમાં આવી ગયેલા પરિવારની દીકરીને ભણવું છે, પણ આર્થિક તંગી નડી રહી છે, ત્યારે ભણતર માટે કેરી વેચવા બેઠી હતી અને કેરીએ તેનું નસીબ આડેનું પાંદડું ખસેડી નાંખ્યું હતું ! ઝારખંડનું જમશેદપુર એમ તો પારસી જમશેદજી તાતાના ઉદ્યોગ સાથે જ જાણિતું છે. જમશેદપુરમાં 11 વર્ષની તુલસીના પિતાની નોકરી કોરોના ભરખી ગયું હતું. શાળાઓ કોરોનાને કારણે બંધ છે અને શિક્ષણ ઓનલાઇન ચાલે છે. સ્વાભાવિક છે કે પપ્પાની નોકરી છુટી ગઇ હોવાને કારણે ભણવા માટે સ્માર્ટ ફોનની માંગણી તુલસી પિતા સમક્ષ કરી શકે એમ નથી. એ સંજોગોમાં સ્માર્ટ ફોન વિના ભણવું અશક્ય થઇ પડ્યું હતું. તુલસીને ભણવું તો છે જ, તેથી તેણે માર્ગ કાઢવો જોઇએ એવું વિચાર્યું. એ વિચારતા વિચારતાં સમજી ગઇ કે સ્માર્ટ ફોન ખરીદવા માટે પૈસા એકત્ર કરવા જોઇએ. પરંતુ પૈસા કમાવવા ક્યાંથી ? ત્યાં જ તેને સૂઝ્યું કે બગીચામાંથી કેરી પસંદ કરીને મેઇન રસ્તા પર વેચો તો પૈસા મળી શકે એમ છે.
સ્ટ્રેટ માઇલ્સ રોડ પર રહેતી તુલસીએ કેરી પસંદ કરી લઇ આવે અને રસ્તા પર વેચવા બેસે. તેને તો એક જ ધૂન ચઢી હતી કે કેરી વેચાય તેમાંથી પૈસા મળે તે બચાવીને સ્માર્ટ ફોન ખરીદવો જેથી અભ્યાસ ચાલુ થઇ શકે. જો કે કેરીના વેચાણમાંથી કાંઇ તેને થોડા દિવસમાં પાંચ સાત હજાર રૂપિયા મળી ન જાય. પરંતુ કોઇકે તુલસીની કેરી વેચતી તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી. આ તસ્વીર એવી વાઇરલ થઇ કે સેંકડો માઇલ દૂર બેઠેલા મુંબઇના એક બિઝનેસમેને એ તસ્વીર જોઇ. એ તસ્વીર જોઇને બિઝનેસ મેન અમેયા હેતેને તુલસીને મદદ કરવાનું વિચાર્યું. તેમણે બાગુન્હાતુ સરકારી શાળામાં પાંચમા ધોરણમાં ભણતી તુલસી પાસેથી એક ડઝન કેરી ખરીદી અને એ પેટે પૂરા 1.20 લાખ રૂપિયા ચૂકવી દીધા.
આ નાણાંમાંથી તુલસીએ 13 હજારનો એક સ્માર્ટ ફોન લીધો છે. 80 હજાર રૂપિયા તેના પરિવારે તુલસીના નામે ફિક્સ ડિપોઝીટ મૂક્યા છે, જેથી ભવિષ્યમાં તેણે અભ્યાસ માટે ઉપયોગી થઇ પડે. હેતેએ પણ તુલસીને ફોનનું એક વર્ષનું રીચાર્જ કરાવી દીધું છે. ઉપરાંત પુસ્તકો પણ અપાવ્યા છે. સાથે સાથે હવે પછી સમયાંતરે તુલસીના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવશે. આમ કેરીએ ભણવા માટે તુલસીને ભરપુર મદદ અપાવી છે. તુલસી ભણીગણીને શિક્ષક બનવા માંગે છે. તે પોતે પણ ભણવા માંગે છે, સાથે સાથે તેની બે બહેનો રોશની તથા દીપિકાને પણ ભણાવશે.