ભારતના ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિતના રાજ્યોમાં છેલ્લાં કેટલાક સમયથી વિધર્મી યુવક દ્વારા હિંદુ સગીરા કે યુવતીઓને પ્રેમજાળમા ફસાવીને શારીરિક સબંધો બાંધવાના અને લગ્નને નામે છેતરપીંડિ કરવાના કિસ્સા વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં તો આ પ્રકારની ઘટના રોકવા લવજેહાદ કાયદો સરકારે બનાવી દીધો છે. જયારે ગુજરાતની રુપાણી સરકાર તે દીશામાં ઝડપથી આગળ વધી રહી છે. ટુંક સમયમાં જ ગુજરાતમાં પણ આ કાયદો અમલી થઈ જશે. દરમિયાન જૂનાગઢમાં લવ જેહાદના કિસ્સાએ રાજ્યમાં ભારે ચક્ચાર મચાવી દીધી છે. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા સાથે હિંદુ સંગઠનોએ મેદાનમાં આવીને પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી છે.
વડોદરામાં જાન્યુઆરીમા પાટીદાર સમાજની યુવતી લવજેહાદનો ભોગ બન્યા બાદ સૌરાષ્ટ્રમાં એક ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની હિન્દુ દીકરીને મુસ્લિમ યુવકે ખોટી રીતે ફસાવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રામના ઇન્દ્રભારતી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકરો ભેગા થઈ ગયા હતા. જેઓએ મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચી આ ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 8મી ફેબ્રુઆરીના દિવસે લગ્ન નોંધણી પૂર્વેની પ્રક્રિયાના ભાગરૂપે યુવક યુવતીએ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક નોંધણી કરાવી હતી.
હવે ૩૦ દિવસ બાદ ૧૦ માર્ચના રોજ વધુ પ્રક્રિયા થઈ શકશે. એટલે ૧૦ તારીખ કે પછીના ૯૦ દિવસ દરમિયાન ગમે ત્યારે લગ્ન નોંધી શકે છે, જેની સામે દીકરીના પરિવારે વાંધો લીધો છે. આ અંગે દિકરીના પરિવારે જૂનાગઢના સી ડીવીઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરીને તેઓની દિકરીને ફસાવાઈ હોવાનો આરોપ મુક્યો છે. રજૂઆતમાં પરિવારે શંકા વ્યક્ત કરી છે કે, તેની દીકરીને વેંચી નંખાશે. અથવા તાંત્રિક વિધિ કરીને વશમાં રખાશે. આથી તેની દીકરીને પરત લાવવા માટે માંગ કરાઈ છે. સોમવારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પરિવાર અને હિંદુ સંગઠનોની રજૂઆત સાંભળ્યા બાદ કહ્યું હતુ કે, આ કેસમાં એલસીબી સહિતની પોલીસની ટીમ કાર્યવાહી કરવા માંડી છે. બે-ત્રણ દિવસમાં દીકરીનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવાશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે એસપી કચેરીએ હિન્દુ સંગઠનોએ સંતોની ઉપસ્થિતિમાં ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોનો રોષ જોયા બાદ જિલ્લા પોલીસ વડાએ આ કેસમાં નક્કર કાર્યવાહી તાકીદે કરવા સધિયારો અપાયો હતો.