ફરીથી કોરોના માથું ઉંચકી રહ્યો હોય એમ લાગે છે. રવિવારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 164511 ઉપર પહોંચી છે. ફરીથી દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, એ જોતાં ચિંતા વધી રહી છે. જો કે વધતી જતી રાજકિય ગતિવિધિ પણ એ માટે એક કારણ હોય તો નવાઇ પામવા જેવું નહીં હોય. દેશમાં 6 રાજ્યોમાં કોરોનાના કેસો વધ્યા છે, એ 6 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં આ રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16752 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દરરોજ અનેક કોરોનાના નવા કેસો નોંધાતા રહે છે. હાલમાં મહારાષ્ટ્રમાં દરરોજ 8 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8623 કેસો નોંધાયા હતા. એ પછીના ક્રમે કેરળ આવે છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના નવા 3792 કેસો નોંધાયા છે, તો પંજાબમાં કોરોનાના નવા 593 કેસો નોંધાયા છે. મતલબ કે પહેલા બે રાજ્યો અને પંજાબના નવા કેસોમાં મોટો તફાવત છે. મહારાષ્ટ્ર અને કેરળમાં હજારોના આંકડામાં નવા કેસો નોંધાયા છે.
સ્વાભાવિક છે કે મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઇ અને કેરળ ગીચ વસ્તી ધરાવે છે. એ સંજોગોમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે. તેનો સીધો અર્થ એ કાઢી શકાય કે હજુ પણ સામાજિક અંતર રાખવાની સાથે સાથે માસ્ક પહેરવું જરૂરી છે જ. પરંતુ લોકોએ હળવાશની સાથે સાથે એ તમામ નિયંત્રણોથી પણ છુટકારો મેળવી લીધો છે. પોલીસ દંડથી બચવા માટે જ માસ્ક પહેરવાનો દેખાડો થઇ રહ્યો છે. જે રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, તેઓ સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્ક રાખીને શું કરવું તેનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા છે અને તેને કારણે કેન્દ્ર સરકાર પણ કોરોનાની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે. રવિવારે જ કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં કેસોની સંખ્યા વધી રહી છે, એવા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તેલંગણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળે ભાગ લીધો હતો.
આ રાજ્યોમાં વધતા જતા કેસોની સંખ્યા પાછળનું કારણ જાણવા માટે તેમજ રાજ્ય આરોગ્ય વિભાગ સાથે કોવિડ 19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાં ભરવામાં સંકલન સાધવા માટે ઉચ્ચ સ્તરિય બહુશાખીય ટીમો પણ નિયુક્ત કરવામાં આવી છે.