ભારત કેન્દ્ર સરકારે ૧૭ જાન્યુઆરીથી દેશમાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી હતી. પરંતુ હાલ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરાયું હોવાનું જાણવા મળ્યું છે. 17મીથી જે કાર્યક્રમ થવાનો હતો તે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ કાર્યક્રમમાં ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની યોજના હતી. પરંતુ તેના 3 દિવસ પહેલા જ સરકારે અનિવાર્ય સંજોગોનુ કારણ આપી કાર્યક્રમ સ્થગિત રાખ્યો છે. આ પગલા પાછળ કોરોનાનું રસીકરણ અભિયાન મોટુ કારણ હોઈ શકે છે. ભારતમાં ૧૯૭૮થી એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યૂનાઇઝેશન અંતર્ગત પોલિયોની રસી મૂકવાનું શરૂ કરાયું હતું. જેમાં ૬૦ ટકા નવજાત શિશુઓને આવરી લેવાયાં હતાં. હાલ દેશના વિવિધ રાજ્યને કેન્દ્ર સરકારે આ વિશે પરિપત્ર મોકલ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, આ અગાઉ કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ૮મી જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે ૧૭મી જાન્યુઆરીથી દેશભરમાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થશે. દેશમાં પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશનું આયોજન હતુ. કિન્તુ કેટલીક અસામાન્ય પ્રવૃત્તિઓના કારણે ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજથી શરૂ થનારો પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ આગામી આદેશ સુધી સ્થગિત કરવા નિર્ણય કરાયો છે. હવે પછીના પોલિયો રસીકરણ કાર્યક્રમની જાહેરાત પણ ટુંક સમયમાં જ કરી દેવાશે. જેમાં બેથી ત્રણ દિવસ માટે બાળકોને રસી મુકાશે. આ કેમ્પમાં જે બાળકો પોલિયોની રસી મુકાવવામાં બાકાત રહી ગયા છે તેમને આવરી લઈ રસી મુકવાનો લક્ષ્યાંક પુરો કરાશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ભારતમાં કોરોનાની વેકસીન મુકવા મોટાપાયે કાર્યક્રમ થશે. તેમાં દેશના આરોગ્ય કર્મચારીઓ જોડાશે. આવા સંજોગોમા પોલીયો રસીકરણ કાર્યક્રમથી બંને વ્યવસ્થા ખોરવાઈ જાય તેવો ડર સરકારને છે. તેથી હાલ પોલિયો રસીનો કાર્યક્રમ સ્થગિત કરવા પડ્યો છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.