કોરોના કાળ વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮મી જૂને ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટન ખાતે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની પ્લેઇંગ કન્ડિશન યોજાનાર છે. આ માટે આઇસીસીએ જાહેરાત કરી છે. આઇસીસીએ શુક્રવારે મીડિયા જોગ નિવેદન આપતા કહ્યું હતુ કે, આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ડ્રો કે ટાઇ થાય તો તેનો નિર્ણય અલગથી નહીં કરાય. આવા કોઈ સંજોગોનું નિર્માણ થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ ગ્રેડ-૧ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝમાં આ પ્રકારના બોલનો ઉપયોગ થાય છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં એસજી બોલનો ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કૂકાબૂરા બોલનો ઉપયોગ કરાય છે.
આ તકે આઇસીસીએ ૨૩મી જૂનને ટૂર્નામેન્ટ દરમિયાનનો રિઝર્વ-ડે રાખવા જાહેરાત કરી હતી. આ પ્રકારનો નિર્ણય ૨૦૧૮માં ચેમ્પિયનશિપ શરૂ કરતાં પહેલાં લેવાયો હતો. જેમાં જણાવ્યું હતુ કે, પાંચ દિવસની રેગ્યુલર મેચમાં સમય વેડફાયો હોય તેવા સંજોગોમાં જ રિઝર્વ-ડેનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટેની સત્તા મેચના રેફરીને અપાઈ છે. જેઓ ટેસ્ટના પાંચમા દિવસે નિર્ણય લેવા સક્ષમ હશે. નિર્ધારિત પાંચ દિવસમાં મેચનું પરિણામ આવી જાય તો રિઝર્વ-ડેની રમત નહીં રમાશે. વધુમાં આઇસીસી ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સમિતિએ ડીઆરએસમાં એલબીડબ્લ્યૂના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારો મુજબ એલબીડબ્લ્યૂના રિવ્યૂ માટે વિકેટ ઝોનની ઊંચાઇ સ્ટમ્પના સૌથી ઉપરના ભાગ સુધી કરવાનો નિર્ણય થયો છે.
આ બાબતે હવે પછી રિવ્યૂ લેવાશે તો બેઇલ્સની ઉપરના ભાગને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. જો બોલ ૫૦ ટકા બેઇલ્સના ઉપરના ભાગને અડકતો હશે તો તેને અમ્પાયર્સ કોલ અપાશે. નવા નિયમ મુજબ અમ્પાયર્સના નિર્ણય સામે રિવ્યૂ લેતાં પહેલાં ખેલાડીએ અમ્પાયર સાથે વાતચીત કરવી પડશે. જેમાં ખેલાડી પોતે બોલને યોગ્ય રીતે રમવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તે અંગે પૂછપરછ પણ કરી શકશે.