ભારતમાં કોરોનાએ સર્જેલી કટોકટીને કારણે લોકોની સ્થિતિ દયનીય બની ચુકી છે. ભારતમાં 20 દિવસથી દરરોજ 3-4 લાખ લોકો કોરોનાથી સંક્રમિત નીકળી રહ્યા છે આ સાથે જ કોરોનાને કારણે દરરોજ હજારો લોકોના મોત નોંધાઈ રહ્યા છે. ભારતની વસ્તી વધુ હોવાથી કોરોનાના સંકટમાં દેશની આરોગ્ય વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ ચુકી છે. ભારતના આ મુશ્કેલ સમયમાં દુનિયાના અનેક દેશ મદદ કરી રહ્યા છે. અત્યાર સુધી ક્રિકેટરો, બોલીવુડ કલાકારો તથા સમાજસેવી સંસ્થા મદદ માટે આગળ આવી ચુકી છે. જયારે ઉદ્યોગપતિઓ આર્થિક રીતે અને ઓક્સિજન પહોંચાડવા જેવા કાર્યોમાં જોતરાયા છે. આવા સમયે ઇઝરાઇલથી વાયરલ થયેલો એક વીડિયો ભારત સંલગ્ન છે. આ વીડિયોમા ઈઝરાયેલના સેંકડો લોકો એક જગ્યાએ એકત્ર થઈને ઓમ નમ શિવાયના જપ કરતા દેખાય છે. વીડિયોની પૃષ્ટિ પણ થઈ ચુકી છે. જેમાં ઇઝરાઇલના લોકોએ ભારતમાં કોરોનાને કારણે સર્જાયેલી કપરી સ્થિતિમાં ભગવાન હવે કૃપા કરે તે માટે પ્રાર્થના કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા ઇઝરાયેલે પોતાને કોરોનામુક્ત દેશ જાહેર કર્યો હતો. રસીકરણ અભિયાનમાં સફળતા બાદ ઇઝરાયેલે કોરોના વાયરસ પ્રતિબંધોને પણ હળવા કરી દીધા છે અને શાળાઓ ફરીથી શરુ કરી દીધી છે. તેથી આ વિડિયોમાં મોટાભાગના લોકો પણ માસ્ક વિના દેખાયા હતા. ઈઝરાયલના લોકોને ભારતની સ્થિતિ જાણીને અનુકંપા છુટી હતી. જે બાદ કેટલાય લોકોએ એક સ્થળે ભેગા થઈને ભગવાન શિવના જાપ કરીને ભારતને રાહત આપવા પ્રાર્થના કરી હતી. આ વીડિયોને પવન કે પાલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પવન પાલ એ ઇઝરાઇલમાં ભારતીય રાજદ્વારી રહી ચુક્યા છે. આ વીડિયોના કેપ્શનમાં ઇઝરાયલી લોકોની પ્રાર્થના ભારતીયોને મદદરુપ થશે તેવો ઉલ્લેખ કરાયો છે.
ઇઝરાઇલ અને ભારતના લોકોનુ આધ્યાત્મિક જોડાણ પણ છે. ઘણા ઇઝરાઇલી યુવાનો દર વર્ષે ભારત આવે છે અને હિમાચલ પ્રદેશના કસૌલ, કલગા, મલાના જેવા સ્થળોએ રહે છે. ઇઝરાઇલમાં લશ્કરી તાલીમના ત્રણ વર્ષ પછી, આ લોકો એક ક્ષણ શાંતિ માટે ભારતના પર્વતો પર આવવાનું પસંદ કરી રહ્યા છે.