હરિદ્વારમાં કુંભ મેળાના આયોજન બાદ કોરોનાના કેસ વધી જતાં સ્થિતિ હજી થાળે પડી નથી. તેવા સમયે હવે કોરોનાની અસર ચારધામ યાત્રા પર પડી છે. થોડા દિવસો પહેલાં જ કોરોનાના સંકટ વચ્ચે કુંભ મેળાનુ આોજન થયું હતુ. જેમાં લાખો લોકો ઉમટી પડતા પ્રશાસને આપેલી ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. જે બાદ આ મામલે મીડિયાના અહેવાલો બાદ મોદીએ અખાડાના સ્વામીને અપીલ કરતા મેળાની તાબડતોબ સમાપ્તિ કરાઈ હતી. જો કે, ત્યાં સુધીમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા 3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
આ ઘટના બાદ હવે ઉત્તરાખંડ સરકારે આ વર્ષે યોજાનાર ચારધામ યાત્રાને રદ કરવા નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે આ અંગે કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, તે જોતા ચારધામ યાત્રા રદ કરવાનુ મુનાસીબ છે. આ દિવસો દરમિયાન માત્ર પૂજારીઓને પૂજા અને બાકી ધાર્મિક અનુષ્ઠાન કરવાની મંજૂરી હશે. મળતી વિગતો મુજબ 14મી મેના રોજ યમુનોત્રી મંદિરના કપાટ ખૂલવા સાથે જ ચારધામ યાત્રાનો આરંભ થવાનો હતો. ગયા વર્ષે પણ ઉત્તરાખંડ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા યાત્રાને અટકાવી હતી. જે બાદ રાજ્ય સરકારે પહેલાં જુલાઇથી શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રા શરૂ કરવા સમયે શ્રદ્ધાળુઓની સામે કેટલીય શરતો મૂકી હતી. ચારધામ યાત્રા ઉત્તરાખંડ માટે રોજગારીની એક મોટી તક આપે છે પરંતુ તેને રદ કરતાં વેપારીઓ નિરાશ થયા છે. સતત બે વર્ષથી યાત્રા રદ થતાં પ્રવાસન ઉદ્યોગને મોટા ફટકો પડ્યો છે. સાથે જ સ્થાનિકોને રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.