સ્વાભાવિક છે કે એક મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. અનેક અવરોધો વચ્ચે પણ ખેડૂતો શાંત અને એક રહ્યા છે. પરંતુ ગઇ 26મીની ટ્રેક્ટર રેલીમાં ન જાણે કેમ થોડાં છમકલાં થયા અને તેની અસર ખેડૂત આંદોલન પર પડી છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ત્રણ કાયદા પાછા લેવામાં નહીં આવે તો આપઘાત કરી લેશે એવી જાહેરાત કર્યા બાદ બીટીપીના નેતા છોટુ વસાવાએ સરકારને ધમકી આપી હતી કે રાકેશ ટીકૈતને કાંઇ થશે તો ગુજરાતના આદિવાસીઓ રસ્તા પર ઉતરશે. ગુજરાતનો આદિવાસી સમાજ ખેડૂત પુત્ર સાથે હોવાની પણ ગર્જના તેમણે કરી હતી. પ્રજાસત્તાક દિવસે સંઘર્ષના મંડાણ થયા એ બાદ આંદોલન તુટી રહ્યાના સંકેત મળી રહ્યા હતા. સ્વાભાવિક છે કે મોટા ભાગના ખેડૂતો સંઘર્ષના વિરોધી છે. તેઓ માને છે કે સરકાર સામે શાંત આંદોલન જ કરવું છે અને તેથી આંદોલન તુટી ન શકે અને શાંત આંદોલનને કારણે સરકાર પણ ઘૂંટણિયે પડશે. યાદ રહે કે સરકારે આંદોલન કરતા ખેડૂતો સાથે એક બે નહીં અગિયાર વખત મંત્રણાઓ કરી છે. પરંતુ ખેડૂતોને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાથી કશું ઓછું ખપતું નથી. બીજી તરફ સરકાર આ કાયદા રદ કરવા તૈયાર નથી. જો કે સરકાર આ ત્રણ કાયદા દોઢ બે વર્ષ માટે અમલી નહીં કરે એવી જાહેરાત કરવા જેટલી તો બેકફૂટ પર તો ગઇ જ છે. યાદ રહે કે મોદી સરકાર કોઇ પણ આંદોલન સામે આટલું ઝુકી નથી, ત્યારે ખેડૂતો સામે આટલી તો ઝુકી જ છે.
રાકેશ ટીકૈતને હટાવી દેવા ઉત્તર પ્રદેશની સરકારે પ્રયાસ કર્યા હતા. ગાજીપુર સરહદે યોગી સરકારે આંદોલન સ્થળ ખાલી કરી દેવા જેવા પ્રયાસ પણ કર્યા હતા. ગુરૂવારે દિલ્હી પોલીસે રાકેશ ટીકૈતને નોટીસ આપી તો તેમના ભાઇએ ખેડૂતોને ઘરે જવા માટે કહેવા માંડ્યું, ત્યારે એમ લાગતું હતું કે રાકેશ ટીકૈત શરણે આવી જશે અને તેમની ધરપકડ પોલીસ કરશે. ઉત્તર પ્રદેશના અધિકારીઓનો કાફલો મોટા પોલીસ બળ સાથે ધરણા સ્થળે પહોંચી ગયા હતા. ટીકૈતના મંચની આસપાસના ટેન્ટ તથા ટોઇલેટની સુવિધા હટાવાઇ હતી. એ વખતે એમ લાગતું હતું કે સરકાર આંદોલનકારીઓ સામે ગુજરાતમાં પાટીદારો સાથે થયું એ રીતે દબાણથી કામ લેશે. પરંતુ રાકેશ ટીકૈતે બાજુ પલટી નાંખી હતી. તેમણે ધમકી આપી કે સરકાર ત્રણ કૃષિ કાયદા રદ નહીં કરે તો તેઓ આપઘાત કરી લેશે. એ સાથે જ આંદોલનની દિશા ફરી બદલાઇ ગઇ છે. મુજફ્ફરનગરમં હજારો સમર્થકો સાથે નરેશ ટીકૈતે મહાપંચાયતનું એલાન કરી દીધું હતું. એ સાથે જ ગાઝીપુર સરહદે ફરીથી મોટી સંખ્યામાં આદોલનકારીઓ એકત્ર થવા માંડ્યા છે. તંત્રે વીજળીનું કનેક્શન ફરી જોડી આપ્યું છે. એ વખતે ગુજરાતના આદિવાસી નેતા બીટીપીના નેતા છોટુ વસાવાએ જો રાકેશ ટીકૈતને કંઇ થશે તો ગુજરાતના આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવશે અને ગુજરાતમાં આદિવાસીઓ આંદોલન કરશે એવી ધમકી આપી છે. રાકેશ ટીકૈતને એક ઘસરકો પણ પડ્યો તો ગુજરાતમાં આદિવાસીઓ રસ્તા પર જાહેર વિરોધ કરશે એવી ચીમકી આપી છે.