બહુ ગાજેલા ચીખલી કસ્ટોડિયલ ડેથ મામલે બે આરોપી પોલીસ કર્મી અજીતસિંહ વાળા અને રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. માહિતી અનુસાર અગાઉ પીઆઈ અજીતસિંહ વાળાએ, અને પોલીસકર્મી રામજીએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જો કે આ અરજી પર કોર્ટ સુનાવણી કરે તે પહેલા જ બંને પોલીસ કર્મીએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. જામીન અરજી પરત ખેંચી લીધા પછી હવે પીઆઈ અજીતસિંહ વાળા એ પોતાના વકીલ મારફતે હવે ફરી આગોતરા જામીન માટેની અરજી નવસારી કોર્ટમાં આપી છે.
આગામી દિવસોમાં કોર્ટ હવે આ અરજી હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. આ ઘટનામાં સાથી કર્મચારી અને આ ઘટનાના મુખ્ય જવાબદાર હે.કો. શકિતસિંહ ઝાલા આગામી તારીખ 23મી ઓગસ્ટે સોમવારે પોતાના આગોતરા જામીન અરજી કરનાર હોવાનું જાણવા મળે છે. અત્રે આદિવાસી યુવકોના મોતને લગભગ મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં નવસારી જિલ્લાની પોલીસ યુવકોના મૃત્યુ માટે જવાબદાર આરોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરી શકી નથી. આ દરમિયાન એવી ચર્ચા પણ સામે આવી છે કે પોલીસકર્મીઓની આગોતરા જામીન અરજી મંજૂર થાય તેવી રાહ જોવામાં આવી રહી છે અને તેથી જ નવસારી પોલીસ જવાબદાર કર્મીઓની ધરપકડ કરી રહી નથી.