નવાસરી જિલ્લાના તાલુકા ભરમાંથી રોજીરોટી મેળવવા માટે વિદેશો તરફ લોકો જતા હોય છે.ત્યારે અફઘાનિસ્તાન પણ કેટલાક લોકો રોજીરોટી મેળવવા માટે ગયા હતા.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી થી અફઘાનિસ્તામાં તાલીબાનોના કબ્જાને લઈ અફઘાનિસ્તાનમાં વસવાટ કરતા સંખ્યાબંધ વિદેશી પરિવારોની હાલત ખુબજ કફોડી બની જવા પામી હતી.જેમાં કેટલાક ભારતીયો પોતાના વતન પરત ફરે એ માટે તેમના પરિવારો સતત ચિંતિત બન્યા હતા.દરમ્યાન ચીખલી પંથકના મનિયાર સ્ટ્રીટમાં રહેતા એક યુવાન અફઘાનિસ્તાન થી હાફળોફાફળો બની વતન આવતા પરિવારોએ ખુશી અનુભવી છે.
ચીખલી તાલુકાના ચીખલી નગરના મનિયાર સ્ટ્રીટમાં રહેતા ડેરીક કિશોરભાઈ લાડ જેઓ છેલ્લા ચારેક વર્ષથી અફઘાનિસ્તાન ના કાબુલ એરપોર્ટ પાસે આવેલ આર્મિના એચક્યા કેમ્પમાં ઈકોલોગ કંપનીમાં ફાયર એલાર્મ ટેકનિશયન તરીકે ફરજ બજાવતો હોય દરમ્યાન અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ પોતાનો કબ્જો જમાવતા કેટલાય પરિવારોની હાલત કફોડી બની જવા પામી હતી.જોકે તમામ ભારતીયોને અમેરીકન આર્મી દ્વારા કાબુલ થી દોહા કતાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયાં આગળ ભારતીય એમ્બેસીના અધિકારીઓએ તમામ ભારતીયોને હોટલોમાં આશરો આપીને ભારત મોકલવા માટેની તમામ કાર્યવાહીઓ પૂર્ણ કરતા તમામ ૪૩ જેટલા ભારતીયો દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા હતા.
જયા તેઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ ડેરીક લાડ દિલ્હી થી સુરત મંગળવારના રોજ સવારે પ્લેન મારફતે ઉતર્યો હતો.બાદમાં સવારે ચીખલી પોતાના ઘરે આવતા પરિવારના સભ્યોમાં ભારે ઉત્સાહ છવાયો હતો.ડેરીક લાડના જણાવી રહ્યો હતો કે અફઘાનિસ્તાનમાં અમેરીકન આર્મી જવાનોએ તમામ ભારતીયોને સુંદર સગવડો આપી હતી.ત્યારબાદ દોહા કતાર ખાતે ભારતીય એમ્બેસી દ્વારા પણ ભારતીયોને પોતાના વતન મોકલવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી અને તમામ ને જરૂરીયાત મુજબની સગવડો પુરી પાડી હતી.ડેરીક લાડ સાથે બિલીમોરાનો રહીશ ચેતન પંચોલી તથા વલસાડ તાલુકાનો માલવણ ગામનો રહીશ ઈશ્વરભાઈ કોળી પટેલ પણ પોતાના વતન ભેગો થયો છે.